અમદાવાદ: ગુજરાતમાં આગામી થોડા સમયમાં જ વિભાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ, કોંગ્રેત તથા આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ ઉમેદવારોને રીઝવવામાં લાગી ગઈ છે. તાજેતરમાં જ ભાજપે પોતાની કોર કમિટીમાં ફેરફાર કરીને 6 સીનિયર નેતાઓને સ્થાન આપ્યું હતું. ત્યારે હવે એવી ખબર આવી રહી છે કે AAPના ગુજરાતમાં આગમનથી ગભરાયેલી ભાજપ હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને હટાવી શકે છે.
ADVERTISEMENT
કેજરીવાલે ટ્વીટ કરીને કર્યો ચોંકાવનારો ખુલાસો
આ વાતનો દાવો AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંક કેજરીવાલે કર્યો છે. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરેલી છે. સૂત્રો મુજબ જલ્દી જ ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને હટાવવામાં આવી રહ્યા છે. શું ભાજપ આટલી વધારે ડરી ગઈ છે?
તાજેતરમાં જ ભાજપે બે મંત્રીઓના ખાતા પાછા લીધા હતા
હાલમાં જ ભાજપે સરકારમાંથી અચાનક બે મંત્રીઓના ખાતા પાછા લઈ લીધા હતા. જે વાતને લઈને અનેક અટકળો ઉઠી હતી. આ બાદ ભાજપની કમલમ ખાતે મળેલી બેઠકમાં પણ વિજય રૂપાણી, નીતિન પટેલ તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 6 સિનિયર નેતાઓને કોર કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. એવામાં હવે અરવિંદ કેજરીવાલે સી.આર પાટીલને હટાવવાની વાત કરતા ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે.
કેજરીવાલ આજે ભાવનગરની મુલાકાતે
નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક્ટિવ મોડમાં આવી ગયા છે. 21મી જુલાઈએ ગુજરાતમાં મફત 300 યુનિટ વીજળી આપવાની ગેરંટી બાદ અત્યાર સુધીમાં તેઓ 8 વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. તેઓ અત્યાર સુધીમાં ફ્રી વીજળી, રોજગારી, મહિલાઓને મહિને રૂ.1000ની સ્ત્રી સન્માન રાશિ, આદિવાસીઓને, રાજ્યમાં ફ્રી શિક્ષણ તથા મફત સારવાર આપવા સહિત 6 ગેરંટી આપી ચૂક્યા છે. આજે તેઓ ભાવનગરની મુલાકાતે છે.
ADVERTISEMENT