નીતિન ગોહિલ.ભાવનગરઃ જેમને ટિકિટ મળી છે ત્યાં ઢોલ વાગી રહ્યા છે અને જેમને ટિકિટ નથી મળી તે જાણે આ જશ્નથી અંતર કરી રહ્યા છે. ભાવનગરમાં જીતુ વાઘાણીની સામે ઘણી વખતથી વિરોધનો સૂર ઉઠ્યો હતો, પણ પાર્ટીએ તેમને રિપિટ કર્યા છે. ટેકેદારોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની બેઠક માટે ભાજપે આજે વધુ વખત જીતુ વાઘાણીની પસંદગી કરી છે, જીતુના નામની જાહેરાત થતા જ અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. પૂર્વ ધારણાં મુજબ જ જીતુ વાઘાણીનું નામ ફાઈનલ થતાં કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા. તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે મુહૂર્ત જોઈને ફોર્મ ભરવાના છે. આવો જાણીએ તેમણે કયા સમયનું મુહૂર્ત મળ્યું છે.
ADVERTISEMENT
ઉદ્યોગપતિઓએ આપ્યા અભિનંદન
ભાવનગર પશ્ચિમની બેઠક પર જીતુ વાઘાણીની ઉમેદવારી નક્કી થઈ છે. શહેરના ઉધોગપતિઓએ જીતુ વાઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ, બાદમાં કેબિનેટ મંત્રી, સરકારના પ્રવક્તા, ભાજપના પ્રવકતા મંત્રી વિગેરે મળેલી જવાબદારી જીતુ વાઘાણીએ સંભાળી છે. તેમના નામની જાહેરાત સાથે જ તેમણે જંગી લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વિરોધ છતા પાર્ટીએ મુક્યો વિશ્વાસ
જો કે ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક પર ‘નો રિપીટ’ થિયરી અપનાવવા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં માંગ હતી. પશ્ચિમ બેઠક પર ‘નો રિપીટ’ થિયરીની માંગણી કરતા જીતુ વાઘાણીનો વિરોધ વધુ હતો તેમ કહી શકાય. ચોક્કસ આગેવાનોના બનેલા અને સુપર થર્ટી તરીકે ઓળખાતા એક જૂથે જીતુ વાઘાણીનો સરેઆમ વિરોધ કરી તેને ટિકિટ નહીં આપવા લાંબા સમયથી માંગ કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા હતા. ભાવનગર પશ્ચિમની બેઠક પરથી ભાજપે જીતુ વાઘાણીને વધુ એક વખત ટિકિટ આપી છે. જીતુ વાઘાણીને ટિકિટ આપવાનો વિરોધ કરી રહેલા સુપર થર્ટી ગ્રુપના સભ્યો હવે ચૂંટણીમાં કેવું વલણ અપનાવે છે તે પણ ખાસ મુદ્દો રહેશે. એક સમયે ભાવનગર પશ્ચિમની બેઠક પરથી હટાવીને જીતુ વાઘાણીને ગારીયાધારની બેઠક લડાવાની ચર્ચાઓ પણ હતી.
વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ
જીતુભાઈ વાઘાણી શુક્રવારે ભરશે નામાંકન ભરવા જવાના છે. સ્વાભાવીક રીતે વાજતે ગાજતે નક્કી મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે. સવારે 10 થી 12 મતવિસ્તારમાં જાહેર સભા કરશે અને ત્યારબાદ 12.39 ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ૬ ના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જીતુ વાઘાણી તા.11 ને શુક્રવારે સવારે પોતાનું નામાંકન રજૂ કરવાના છે. શુક્રવારે સવારે 10 થી 12 દેસાઈ નગરથી આગળ જતા મિલિટરી સોસાયટીની સામેના ભાગે આવેલા મેદાનમાં તેમની જાહેરસભા યોજાશે ત્યારબાદ તેઓ મતદારોના આશીર્વાદ સાથે 12 ને 39 મિનિટેએ પોતાનું નામાંકન રજૂ કરશે. ઉપરાંત ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર મંત્રી પરષોત્તમ સોલંકી પણ આવતીકાલે પોતાનું નામાંકન ભરે તેવી તૈયારી ચાલી રહી છે.
ADVERTISEMENT