અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલ્કીસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને રાજ્ય સરકારે 15મી ઓગસ્ટે મુક્ત કર્યા હતા. આ મામલે બિલકિસ બાનોના પતિ, અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાય અપાવવા અપીલ કરી હતી. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) પણ આ મામલે ગુજરાત સરકારને ઘરી છે. તથા સરકારના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને શું કહ્યું?
જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતમાં 2002માં 23 વર્ષની સગર્ભા બિલ્કીસ બાનો પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ આ બળાત્કારીઓ પર ભાજપને એટલો પ્રેમ ઊભરાઈ આવ્યો કે તાજેતરમાં જ ગુજરાત સરકારે તમામ આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. વાહ રે ગુજરાત મોડલ !
રાજ્ય સરકારે આ કમિટી પર નિર્ણય લેવાની સત્તા સોંપી હતી
ઉલ્લેખનીય છે કે, બિલકિસ બાનો કેસમાં જેલમાં સજા કાપી રહેલા 11 કેદીઓને છોડવા કે નહીં તે નિર્ણય લેવા માટે ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી. આ કમિટીમાં ગોધરાના કલેક્ટર સુજય મલ્હોત્રા અધ્યક્ષ હતા. જ્યારે ભાજપના પંચમહાલના બે ધારાસભ્યો હતા, ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી હતા, જ્યારે અન્યમાં કલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ તથા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને બાકી અન્ય મળીને કુલ 11 સદસ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેમણે 18 વર્ષથી જેલમાં બંધ આ કેદીઓને છોડવા અંગે નિર્ણય લીધો હતો.
18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો.
તાજેતરમાં આ 11 કેદીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્ય સરકારે તમામ 11 કેદીઓને મુક્ત કરવા માટે હુકમ કરતા તેમને ગોધરાની સબજેલમાંથી છોડવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રણધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT