Saraswati Sanman Samaroh: જામનગરમાં આ મહિનાના પહેલા અઠવાડિયામાં "સરસ્વતી સન્માન સમારોહ"માં ધોરણ 10 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ચતુભૂર્જ સ્વામી, ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે હવે રિવાબા જાડેજાએ આ સરસ્વતી સન્માન સમારોહમાં આપેલી સ્પીચનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
જો અંગ્રેજી આવડે તો માભો પડે... : રિવાબા જાડેજા
આ કાર્યક્રમમાં રિવાબા જાડેજાએ અંગ્રેજીના વધતા ક્રેઝ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ એ અક્ષર જ્ઞાન નથી. લખતા-વાંચતા આવડી જાય, સારું અંગ્રેજી બોલીએ... અત્યારે માતા-પિતામાં અલગ જ ક્રેઝ છે. મારો દીકરો કે દીકરી સારું અંગ્રેજી બોલતો હોવો જોઈએ. તો જ પોતાની જાત અને બાળકને ભણેલા સમજીએ. કાલ સવારે તે બીજા સીટી કે બીજા દેશમાં ભણવા જશે તો વાંધો ન આવવો જોઈએ. આપણા પરિવાર અને કુટુંબમાં માભો હોવો જોઈએ. તેમણે હાજર લોકોને સવાલ પૂછ્યો હતો કે, આમાંથી કેટલા માતા-પિતાને ઈચ્છા થાય છે કે આપણા દીકરા-દીકરીને ગીજુભાઈ બાધેકાની વાર્તા સંભળાવીએ? જેને મુછાળી માતા તરીકે ઓળખવામાં આવતા હતા. હેરિ પોટરની બધાને ખબર છે. પંચતંત્રની વાર્તાઓથી આપણે વિમુખ થતા જઈએ છીએ.
રાજપૂત સમાજ દ્વારા પણ યોજાયો હતો સરસ્વતી સન્માન સમારોહ
મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે ગત રવિવારે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે 52માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાજ્યસભા સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા, પ્રદ્યુમનસિંહ અને માજી મંત્રી હકુભા જાડેજા હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહમાં ધો. 5થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રે ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે વક્તવ્ય આપ્યું હતું.
માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહીં… : શક્તિસિંહ ગોહિલ
આ કાર્યક્રમના શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી પરંતુ સમજણ સાથેનું જ્ઞાન સમાજના દરેક દીકરા અને દીકરીને મળે તેના માટે માતાજીને પ્રાથર્ના કરી છે. આ તકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન હતું. ત્યારે લોકો એકત્રિત થયા હતા અને તે વખતે સમાજની એકતા અને સયંમ જે સમાજના લોકોએ બતાવ્યો હતો તેને પણ યાદ કર્યો હતો.
ADVERTISEMENT