કુમાર કાનાણીના નિવેદન પર AAPએ ભાજપને ઘેર્યું, ઈસુદાને કહ્યું, ‘ભાજપે ગુજરાતના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો’

અમદાવાદ: પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિધાનસભા ચૂંટણી પહેલાં જ પોતાના મતવિસ્તારમાં કામ ન થતું હોવાના મુદ્દાને ઉઠાવ્યો છે. ધારાસભ્ય તરીકે કાર્યરત કુમાર…

gujarattak
follow google news

અમદાવાદ: પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિધાનસભા ચૂંટણી પહેલાં જ પોતાના મતવિસ્તારમાં કામ ન થતું હોવાના મુદ્દાને ઉઠાવ્યો છે. ધારાસભ્ય તરીકે કાર્યરત કુમાર કાનાણીએ મહાનગર પાલિકાના અધિકારીઓ નિષ્ક્રિય હોવાની અને લોકોના કામ ન કરતા હોવાની વાત સોશિયલ મીડિયામાં કરી હતી. હવે આ નિવેદન પર આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. AAPના ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપે ગુજરાત સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું કબૂલ કરવા સલાહ આપી દીધી છે.

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી ભાજપને ઘેરી
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્યએ જાતે કબૂલ્યું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ માત્ર વાયદા કરી રહી છે. જનતા વાયદાઓથી થાકી ગઈ છે. હવે ભાજપના સારા લોકો પણ સ્વીકારી લે કે ભાજપે ગુજરાતના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અબ કી બાર આપ (જનતા) કી સરકાર.

શું લખ્યું હતું કુમાર કાનાણીએ?
કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં સુરતના પાલિકા અધિકારીઓની નબળી કામગીરીથી નારાજ થઈને પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે છેલ્લા 25 વર્ષના સમયગાળાથી અમે માત્ર સરકારી જવાબો સાંભળીને કાંટાળી ગયા છીએ. હવે તો પરિણામ મળવું જ જોઈએને વાયદાઓ ક્યાં સુધી કરશો. ઉલ્લેખનીય છે કે વધુમાં કાનાણીએ જણાવ્યું કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કોર્પોરેટર્સે લાવવું જોઈશે.

પૂર્વ પ્રધાનને કોઈ ગાંઠતું નથી, સ્થાનિકોની સ્થિતિ કફોડી
કાનાણીના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ તેમને ગાંઠતા જ નથી. તથા સ્થાનિકો સતત એમની સમસ્યા લઈને અમારી પાસે આવી જાય છે. તો હવે આમના તમામ સવાલોનો જવાબ મેળવવો અમારા માટે મુશ્કેલ છે. અધિકારીને કઈક કામ કરવા કહીએ તો તેઓ ઉંધા જવાબ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ તમામ મુદ્દાઓનો પાર્ટી કે કોઈ સંગઠન સાથે સંબંધ નથી. જ્યારે વધારે દબાણ કરવામાં આવે છે ત્યારે જ કોઈ કામ પાર પડે છે.

    follow whatsapp