Chaitar Vasava News: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. જે પોલીસ પર દારૂબંધીનું પાલન કરાવવાની જવાબદારી છે તે જ દારુ પીને જાહેરમાં અસભ્ય વર્તન કરવાની ઘટના ફરી એકવાર સામે આવી છે. ડેડિયપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય નજીક ટ્રાફિક-પોલીસ હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં કોન્સ્ટેબલે ચૈતર વસાવાની ઓફિસની બહાર પેશાબ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દારૂના નશામાં ભાન ભૂલેલા હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ પર પણ હાથ ઉગામ્યો હતો.
ADVERTISEMENT
દારૂ પીને હેડ કોન્સ્ટેબલે મચાવ્યો હોબાળો
વિગતો મુજબ, ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, એકતાનગર ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવાએ ડેડિયાપાડા લીમડાચોક વિસ્તારમાં આવેલી ધારાસભ્યના કાર્યાલય બહાર દારૂના નશામાં પેશાબ કર્યો હતો અને ચૈતર વસાવાના પરિજનોને અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ જતા પોલીસકર્મી ત્યાંથી ભાગવા લાગ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં માર્યો રોફ
આ અંગે ડેડિયાપાડા પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને દારૂના નશામાં રહેલા હેડ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે છાકટા બનેલા પ્રદીપ વાઘેલાએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પોલીસ સ્ટેશનમાં જ મૂછો પર તાવ દઈને રોફ માર્યો હતો. તેને કાબુ કરી રહેલા પોલીસકર્મીઓ પર પણ હાથ ઉઠાવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ પોલીસ આ ચિકાર નશામાં રહેલા હેડ કોન્સ્ટેબલને જેલ હવાલે કર્યો હતો. ઘટનાને લઈને ચૈતર વસાવા પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.
ADVERTISEMENT