અમદાવાદ: યુવા પાટીદાર અને હાલમાં ભાજપના નેતા હાર્દિક પટેલના જ કારણે 2017ની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરી શકી નહોતી. એક સમયે ભાજપ વિરુદ્ધ સ્ફોટક નિવેદનો કરીને ભાજપને પણ ખાસીયાણી સ્થિતિમાં મુકી દેનાર પાટીદાર નેતાની હાલમાં ભાજપમાં જોડાયા બાદ સ્થિતિ ખુબ જ દયનીય છે. કોંગ્રેસમાં જોડાયા ત્યારે તથા તે અગાઉ ફાયરબ્રાન્ડ વ્યક્તિત્વ ધરાવતા હાર્દિક પટેલ હાર્દિક પટેલ પોતાના દરેક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહ પર સીધા પ્રહારોના કારણે ભાજપના નેતાઓ પણ તેનાથી ગિન્નાયેલા રહેતા હતા. જો કે ભાજપમાં જોડાયાને 2 મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે પરંતુ જાણે કે જળમાંથી આંગળી નિકળે તેમ લોકમાનસમાંથી ગાયબ થઇ ચુક્યા છે.
ADVERTISEMENT
નિષ્ણાંતોના અનુસાર છેલ્લા 2 મહિનામાં હાર્દિક પટેલનું સ્ફોટક નિવેદન તો ઠીક કોઇ નિવેદન જ નથી આવ્યું. હાર્દિક પટેલ ભાજપના કોઈ કાર્યક્રમમાં પણ જોવા મળતો નથી. ભાજપને કેડરબેઝ પાર્ટી કહેવામાં આવે છે. કયા કાર્યક્રમમાં કોને જવાનું છે અને શું બોલવાનું છે ત્યાં સુધીની તમામ તૈયારીઓ હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવતી હોય છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી તે ન તો નુપુર શર્મા હોય, ઉદેપુર કનૈયાલાલ હત્યાકાંડ હોય કે કોઇ પણ સ્થાનિક રાજકારણનો મુદ્દો હોય એક પણ શબ્દ તેના મોઢેથી નથી નિકળ્યોં.
રાજકીય પંડીતોના અનુસાર ભાજપની રણનીતિ છે કે જે મજબુત વિરોધીને પોતાની સાથે જોડીને તબક્કાવાર રીતે ખતમ કરવામાં આવે છે. પક્ષ દ્વારા એટલા બધા નિયંત્રણો લાદવામાં આવે છે કે, તે વ્યક્તિ આપોઆપ પોતાની પકડ ગુમાવે છે અને ખતમ થઇ જાય છે. અત્યાર સુધી ભાજપમાં આવેલા કોંગ્રેસના મોટાભાગના નેતાઓની હાલત પર નજર કરીએ તો સ્થિતિ આવી જ કફોડી થઇ છે.
હાર્દિક પટેલ હવે માત્ર સોશિયલ મીડિયામાં જ ભાજપનાં પોસ્ટર્સ શેર કરતા જોવા મળે છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે આ કામ કરી રહ્યા હતા ત્યાં તેને કોંગ્રેસમાં કોઈ કામ કરવા દેવામાં આવતું નહી હોવાના આક્ષેપ સાથે તેણે કોંગ્રેસમાંથી વિદાય લીધી હતી. હાર્દિક પટેલ હવે તેના સોશિયલ મીડિયામાં ભાજપના સદસ્યતા અભિયાનની પોસ્ટરો શેર કરતા જોવા મળે છે. લોકો પણ હાર્દિક પટેલની મજાક ઉડાવે છે. જેમાં મોટાભાગે પાટીદાર સમાજના યુવાન છે. હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયા પેજ પર અગ્નિપથ યોજના માટે સરકારના વખાણ કર્યા હતા. હાર્દિક પટેલ પણ હવે જાહેર કાર્યક્રમોના બદલે મોટાભાગે સોશિયલ મીડિયા પર દેખાય છે.
વર્ષોથી ભાજપનું રિપોર્ટિંગ કરનારા પત્રકારોના અનુસાર, હાર્દિક પટેલ ભલે પોતાની મરજીથી ભાજપમાં જોડાયો હોય, પરંતુ ગુજરાતમાં ભાજપનું રાજકારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરે છે. જો કે, હાર્દિક માટે સ્થાનિક નેતાઓમાં ભાજપમાં પોતાનું સ્થાન બનાવવું મુશ્કેલ સાબિત થશે. હાર્દિક પટેલ પહેલા અલ્પેશ ઠાકોર ભાજપમાં ભળ્યા હતા તેમનું ભાજપમાં શું સ્થાન છે તે સૌ કોઈ જાણે છે. આ પહેલા કોંગ્રેસની નાવને મધદરિયે મૂકી અને ભાજપની નાવમાં સવાર થનાર જયરાજસિંહ પરમાર, જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા અને અશ્વિન કોટવાલ સહિત મોટા ભાગના નેતાને કદ પ્રમાણે વેતરાઇ ચુક્યાં છે. એક સમયે દિગ્ગજ ગણાતા અને પંથકમાં પુછાતા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ ટિકિટ મળશે કે કેમ તે મુદ્દે પણ આત્મવિશ્વાસથી કંઇ કહી શકતા નથી.
જો કે આ અંગે અમે હાર્દિક પટેલનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં GUJARAT TAK ની હાર્દિક પટેલ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે ”હું ભાજપમાં જોડાયાને માત્ર 2 જ મહિના થયા છે, એટલે સક્રિય અને નિષ્ક્રિય જેવુ કાઇ જ નથી. પાર્ટીમાં કાર્યકરની જેમ કામ કરતો રહીશ. સમય આવ્યે લોકોને જાણ થશે.”
ADVERTISEMENT