Gujarat Assembly Elections 2022: અમદાવાદની દરિયાપુર વિધાનસભા સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી હતી. 1990થી 2007 સુધી સતત પાંચ વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરત બારોટે આ સીટ પરથી જીત પ્રાપ્ત કરી હતી. ભરત બારોટ નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી પણ રહી ચુક્યાં છે. 2012 અને વર્ષ 2017 માં દરિયાપુર વિધાનસભા સીટ પર ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
છેલ્લી બે ટર્મથી દરિયાપુર સીટ પર કોંગ્રેસનો વિજય
વર્ષ 1990થી આ સીટ પર ભાજપ ઉમેદવાર તરીકે ભરત બારોટ સતત ચૂંટણી લડતા આવ્યા છે અને ભરત બારોટ આ વિસ્તારમાં ભાજપના મજબુત નેતા પણ માનવામાં આવે છે. જો કે નવા સિમાંકન બાદ વર્ષ 2012 અને 2017માં ખુબ જ નાના અંતરથી ભરત બારોટને દરિયાપુર સીટ પરથી પરાજયનો સામનો કરવો પડ્યો અને બે ટર્મથી અહીં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ જીતતા આવ્યા છે. ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને તેઓ મુસ્લિમ ઉપરાંત હિંદુ મતદાતાઓ વચ્ચે પણ સારી એવી પકડ ધરાવે છે. સારી ઇમેજના કારણે મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા દિગ્ગજ નેતા ભરત બારોટને પરાજીત કરવામાં સફળ રહ્યા હતા.
AIMIM બગાડશે ભાજપ-કોંગ્રેસનો ખેલ?
દરિયાપુર વિધાનસભા સીટમાં હાલ પણ અનેક સમસ્યાઓ છે. અમદાવાદ શહેરની તુલનાએ દરિયાપુરમાં અનેક એવી સમસ્યાઓ છે જેનો ઉકેલ આજની તારીખે પણ નથી આવ્યો. જનતાનો આરોપ પણ છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારનાં લોકો સાથે ભેદભાવ કરે છે અને કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ આ પ્રકારના આરોપ અનેકવાર લગાવી ચુક્યા છે. જો ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અંગે વાત કરવામાં આવે તો ગ્યાસુદ્દીન શેખ ખુબ જ સક્રિય છે અને નિર્વિવાદિત ધારાસભ્ય તરીકે પણ ઓળખાય છે. તેમ છતાં પણ 2022 માં ચૂંટણી જીતવી તેમના માટે મુશ્કેલ છે. ભાજપ કરતા પણ કોંગ્રેસ અને ગ્યાસુદ્દીન શેખ માટે મોટો પડકાર છે AIMIM. અહીં AIMIM દ્વારા પોતાનો ઉમેદવાર ઉતારવામાં આવે તો જે મુસ્લિમ વોટની મદદથી કોંગ્રેસ જીતતું હતું તેમાં કાપ આવી શકે તેમ છે. જેથી કોંગ્રેસ માટે આ સીટ મોટો પડકાર છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIMને મળ્યું સમર્થન
AIMIM ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રીના કારણે કોંગ્રેસનાં અનેક મુસ્લિમ મત અને અનેક મુસ્લિમ કાર્યકર્તાઓ આ પાર્ટી સાથે જોડાવા લાગ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન પણ દરિયાપુર વિસ્તારમાં AIMIMને ખુબ જ સમર્થન મળ્યું હતું. વિધાનસભામાં પણ જો આ જ પરિસ્થિતિ રહે તો જે સામાન્ય માર્જીનથી ગ્યાસુદ્દીન શેખ જીત્યા તે માર્જી સીધુ જ કપાઇ જાય તેમ છે. જ્યારે ભાજપના પ્રોમિસિંગ ઉમેદવારો તો છે જ જેના કારણે બે ની લડાઇમાં ત્રીજો ફાવે તેવો ઘાટ અહીં સર્જાય તો નવાઇ નહીં. જો કે હાલ તો આ તમામ વાતો છે પરિણામ તો ચૂંટણી મતદાન સમયે જ ખબર પડશે.
ADVERTISEMENT