સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 3 મહિનામાં જ યોજાવા જઈ રહી છે, જેને પગલે હવે સરકારી પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પોલીસના ગ્રેડ પે પર નિવેદન આપ્યું હતું. જે બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ બાદ બેબાકળી થઈને જાગી હતી અને 14 ઓગસ્ટ સુધીમાં આ વિશે મોટી જાહેરાત કરવાનું કહી દીધું. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ (Gopal Italia) આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વિશે જણાવ્યું હતું.
ADVERTISEMENT
‘પોલીસનું સારું થતું હોય તો બધી ક્રેડિટ સરકારને’
ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, અત્યાર સુધી 10 મહિનાથી ફાઈલો સચિવાલયમાં ફરતી હતી. અને કજરીવાલે જાહેરાત કરતા જ ગૃહમંત્રી હરકતમાં આવી ગયા છે. કાલે આખો દિવસ ગૃહમંત્રીએ કાઉન્ટર કરવું પડ્યુ હતું. જો પોલીસને તેમનો અધિકાર મળતો હોય, પૂરો પગાર મળતો હોય તો ગૃહ મંત્રીનો આભાર. પોલીસનું સારું થતું હોય તો બધી ક્રેડિટ સરકાર અને ગૃહમંત્રીને અમે આપીએ છીએ. આજે ભાજપના મિત્રો કહે છે કે અમે કરવાના હતા, ઘણા વિષયોમાં હજુ આંદોલનો, હડતાળ ચાલું છે. કદાચ અરવિંદ કેજરીવાલ પોતાની આગામી મુલાકાતમાં વધુ એક વિઝન પર પોતાનું નિવેદન રજૂ કરે અને ભાજપ ફરી વખત બોલે કે આતો અમે કરવાના હતા, તેના કરતા વધુ જરૂરી છે. હાલમાં ચાલતા તમામ આંદોલનોમાં વાત માની લેવામાં આવે.
‘કોંગ્રેસ દિવાળીનો જૂનો માલ ખાલી કરી રહી છે’
બીજી તરફ કોંગ્રેસ પર પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું, કોંગ્રેસે આજે ખૂબ ઉતાવળમાં લાગે છે. કોંગ્રેસને એમ થયું કે માલ દુકાનમાં પડ્યો રહેશે એના કરતા વેચી દઈએ. કોંગ્રેસ દિવાળીનો જૂનો માલ ખાલી કરવા સેલ કરે એમ કોંગ્રેસે કર્યું કહેવાય. સરકાર આવવાની નથી, નેતાના ઠેકાણા નથી, સંગઠન નથી. એટલે ખાલી કરવાનો ભાવ છે. તમે કહો છો એ વાત પર જનતાને ભરોસો કેમ અપાવશો? આ વાતની શરૂઆત રાજસ્થાન કે છત્તીસગઢથી કરવી જોઈએ. કોંગ્રેસની વાત પર ભરોસો કરવા માટે કોઈ કારણ નથી. અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરી બતાવે છે.
ઈસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
નોંધનીય છે કે, બીજી તરફ ઈસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે 10 કલાક અનકટ વીજળી આપવી જોઈએ. રાજસ્થાન અને છત્તીસગઢમાં કેટલાય ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. જ્યારે દેવા માફીની વાત કરી હતી ત્યારે દેવા માફ તો થયા નથી. કોંગ્રેસ જે બોલે છે એ કઈ કરવાની નથી અને જે નેતા બોલે છે તે પણ આવતી કાલે ભાજપમાં બેઠા હશે. 78 માંથી 64 ધારાસભ્ય કોંગ્રેસ પાસે રહ્યા છે. મોટાભાગના નેતા ભાજપમાં જતાં રહ્યા છે. એ બધા એવા હતા જે વચનો જ આપતા હતા. મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો ભ્રમિત નહીં થાય. ખેડૂતો માટે, મહિલા માટે ,બેરોજગાર માટે તમામ માટે આમ આદમી પાર્ટી ગેરેન્ટી આપી રહી છે અમે કોઈ વચનો નથી આપી રહ્યા. અને જો ખેડૂતો માટે કોંગ્રેસને એવું હોય તે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરી બતાવો.
ADVERTISEMENT