Attack on BJP Leader Car : પશ્ચિમ બંગાળમાં હોબાળો હજુ પણ યથાવત્ છે. કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન બાદ બુધવારે (28 ઓગસ્ટ) ભાજપે 12 કલાકના બંગાળ બંધનું એલાન કર્યું હતું. બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરાઈ છે.
ADVERTISEMENT
નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપરામાં ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું. પ્રિયંગુએ જણાવ્યું હતું કે, TMCના લગભગ 50-60 લોકોએ હુમલો કર્યો. વાહન પર 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ડ્રાઇવર સહિત બે લોકોને ગોળી વાગી હતી. એક ગંભીર છે.
ટીએમસીના ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું : શુભેન્દુ અધિકારી
આ દરમિયાન ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે ભાટપારામાં સ્થાનિક ભાજપ નેતાની કાર પર ટીએમસીના ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો. ભાજપ નેતાએ કહ્યું કે આ દરમિયાન 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો હતો.
એક્સ પરની એક પોસ્ટમાં શુભેંદુ અધિકારીએ લખ્યું, 'ભાટપારામાં ભાજપના જાણીતા નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ટીએમસીના ગુંડાઓએ ફાયરિંગ કર્યું છે. કારના ડ્રાઈવરને ગોળી વાગી છે. બંધ સફળ છે અને લોકોએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ
નાદિયા અને મંગલબારી ચોરંગીમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ટીએમસી સમર્થકોએ ભાજપના કાર્યકરો પર લાકડીઓથી હુમલો કર્યો. બાણગાંવ અને બારાસત દક્ષિણમાં ટ્રેનો રોકી દેવામાં આવી હતી. ભાજપ 27 ઓગસ્ટે કોલકાતામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને અટકાયતનો વિરોધ કરી રહી છે.
મમતા બેનર્જીએ શું કહ્યું?
બંગાળ બંધ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રેપ-હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપ્યાને 16 દિવસ વીતી ગયા છે. ન્યાય ક્યાં છે? સીએમએ કહ્યું કે, ભાજપ બંગાળને બદનામ કરી રહી છે. ભાજપે ક્યારેય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મણિપુરના મુખ્યમંત્રીઓના રાજીનામાની માંગ કરી નથી.
ભાજપે 12 કલાકના બંધનું એલાન કર્યું હતું
તમને જણાવી દઈએ કે ભાજપે આજે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. નબન્ના અભિયાન હેઠળ સચિવાલય તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંગાળ બંધનું આહ્વાન કર્યું છે. આ બંધ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. વાસ્તવમાં, કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાને લઈને લોકો મમતા બેનર્જી સરકાર પર નારાજ છે.
ADVERTISEMENT