અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આખરી તૈયારીઑ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો ગુજરાતમાં સભાઑ ગજાવી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પૂર જોશ સાથે મેદાને છે. ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠકનું મહત્વ વધુ રહેશે. પબુભા માણેક આ બેઠક પરથી સતત ચૂંટણી જિતતા આવ્યા છે. ત્યારે આ બેઠકનું સમીકરણ રસપ્રદ છે.
ADVERTISEMENT
જોવાલાયક સ્થળ
દ્વારકા બેઠકનો સમાવેશ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દ્વારકા ગુજરાતની સૌથી પહેલી રાજધાની માનવામાં આવે છે. સંસ્કૃતમાં આનો અર્થ સ્વર્ગનું પ્રવેશદ્વાર થાય છે. દ્વારકા શ્રીકૃષ્ણનગરી તરીકે જાણીતું છે. અહીં દ્વારકાધિશ મંદિર,રુક્ષ્મણી મંદિર,ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર,ગોમતી ઘાટ, દ્વારકા બીચ, બેટ દ્વારકા ટાપુ જોવાલાયક સ્થળો છે. આ બેઠકમાં ઓખામંડળ તાલુકો અને કલ્યાણપુર તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકનું ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મહત્ત્વ ઘણુ વધારે છે.
મતદાર વિસ્તાર
દ્વારકા બેઠક જામનગર જિલ્લા અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠક છે. જામનગરનો તે સંસદીય અને લોકસભા મતવિસ્તાર છે.
જાતિગત સમીકરણો
દ્વારકા બેઠક પર હિન્દુઓની સંખ્યા 84.65% છે જ્યારે મુસ્લિમોની સંખ્યા 15% સુધી છે. આ બેઠક પર જોવા જઈએ તો મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહ્યો છે.
દ્વારકા બેઠક પર અનુસુચિત જાતિ 6.78% અને અનુસુચિત જનજાતિ 1.2% છે.
અહીં પાર્ટી નહીં પબુભાનું પ્રભુત્વ વધુ
છેલ્લા ત્રણ દાયકાની વાત કરીએ તો દ્વારકા બેઠક પર પાર્ટી કરતા વધારે એક નેતાનું પ્રભુત્વ રહેલું છે, જેમનું નામ છે પબુભા માણેક. તેમની લોકપ્રિયતા એટલી વધારે છે કે કોઈપણ પાર્ટીના બેનર હેઠળ લડે કે પછી બેનર વિના જીત તો માત્ર એમની જ નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે તેઓ આ બેઠક પર અપક્ષ તરીકે પણ જીત્યા છે. જ્યારે બીજી બાજુ નજર કરીએ તો પબુભા કોંગ્રેસમાંથી જીત્યા છે જ્યારે ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. તેવામાં છેલ્લા ત્રણ દાયકાથી તેમનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આ એક એવી બેઠક છે જેમાં છેલ્લા 30 વર્ષથી પબુભા માણેક કોંગ્રેસ, ભાજપ કે અપક્ષ એમ ત્રણેયમાં વિજયી થઈ આવ્યા છે.
2017 વિધાનસભા ચૂંટણી
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેક આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઇ આહીર મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 48980 મત (53.52%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 35355 મત (38.63%) મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પબુભાઈ માણેક વિજેતા થયા હતા. જોકે એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે 2017માં દ્વારકા બેઠક પર થયેલી ચૂંટણીને રદ કરી નાખી હતી.
મતદાર
દ્વારકા વિધાનસભા સીટ જનરલ સીટ છે. દ્વારકા જિલ્લામાં કુલ 2 બેઠક છે. દ્વારકા બેઠકનો વિધાનસભા ક્રમાંક 82 છે. આ સીટ પર 291561 મતદારો નોંધાયા છે. જેમાંથી 150395 પુરુષ મતદારો તથા 141159 મહિલા મતદારો છે અને 7 અન્ય મતદારો છે. આ બેઠક પર વર્ષ 1990થી પબુભા માણેક અલગ અલગ પક્ષથી ચૂંટણી જીતતા આવે છે.
15 વર્ષથી ભાજપ સત્તા પર
પબુભા વિરમભા માણેક પ્રથમ વખત 1990માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. ભાજપનો દ્વારકા સીટ પર છેલ્લા 15 વર્ષોથી કબજો છે, જ્યારે પબુભા માણેકનો વર્ષ 1990થી કબજો છે.
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા બાદ આ બેઠક પરની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. વર્ષ 2019માં મેરામણ આહિરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારી પત્રક અધૂરું અને ક્ષતિ યુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ન ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પબુભા માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાશે. આમ હજુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો નથી આવ્યો તો અત્યારે પબુભાને મેદાનમાં ઉતારવા કે નહિ તે પણ મોટો પ્રશ્ન છે. ત્યારે દ્વારકાના લોકોને 5 વર્ષથી ધારાસભ્યનું નેતૃત્વ નથી મળ્યું તેમ કહી શકાય. વર્ષ 1990થી પબુભા માણેક ચૂંટણી જીતતા આવ્યા છે.
2022 માં આ ઉમેદવાર મેદાને
ભાજપ- પબુભા માણેક
કોંગ્રેસ- મુળુભાઈ આહીર
આપ- લખમણભાઈ નકુમ
બસપા- હાથલ ચંદ્રસિંહ
સપા- ડેર હમીર
અપક્ષ- દેવેન્દ્ર માણેક
ગુજરાત નવનિર્માણ સેના- નાથાભાઈ માડમ
અપક્ષ- અસરફમિયા કાદરી
અપક્ષ- કિશોર ચાવડા
અપક્ષ- ઘેડિયા અમિત
ગરવી ગુજરાત પાર્ટી- પરમાણી કિશન
અપક્ષ- નાગશ કરશન
અપક્ષ- ભાગવનજી થોભાણી
કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસના ઉમેદવાર હરિદાસ કાનાણી વિજેતા થયા
1967-કોંગ્રેસના ઉમેદવાર કે જી રાઈચુરા વિજેતા થયા
1972-કોંગ્રેસના ઉમેદવાર ગોરિયા મરખી જેઠા વિજેતા થયા
1975-કોંગ્રેસના ઉમેદવાર ગોરિયા મરખી જેઠા વિજેતા થયા
1980-કોંગ્રેસના ઉમેદવાર ત્રિવેદી લીલાબેન વિજેતા થયા
1985-અપક્ષ ઉમેદવાર પબારી જમનાદાસ વિજેતા થયા
1988- કોંગ્રેસના ઉમેદવાર વી આર નાથાભાઈ વિજેતા થયા
1990 અપક્ષ ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
1995 અપક્ષ ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
1998 અપક્ષ ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
2002 કોંગ્રેસ ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
2007 ભાજપના ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
2012-ભાજપના ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
2017- ભાજપના ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા
ADVERTISEMENT