દેવાયત ખવડ કઈ પાર્ટીમાં જોડાશે? લોકસાહિત્ય કલાકારે ખુદ કરી દીધો મોટો ખુલાસો

Gujarat Tak

14 Jun 2024 (अपडेटेड: Jun 14 2024 9:44 PM)

ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ત્યારે હવે દેવાયત ખવડે ખુદ રાજનીતિમાં એન્ટ્રી કરવા અંગે જાહેરાત કરી છે.

Devayat Khavad

લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ

follow google news

Devayat Khavad Join Politics : ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં દેવાયત ખવડે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવા સંકેત આપ્યા હતા. ત્યારે બાદ હવે ખાનગી ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુદ રાજનીતિમાં આવવાની જાહેરાત કરી છે.

હું રાજનીતિમાં આવીશ, મને રસ છે : દેવાયત ખવડ

દેવાયત ખવડે કહ્યું કે, 'હું ડાયરામાં રાજકારણની વાત એટલા માટે કરું છું, કારણ કે મારે રાજકારણમાં આવવું છે એટલે. મને ખુદ રસ છે. મારે રાજનીતિ કરવી છે અને હું કરીશ.'

હું પક્ષનું નહીં જણાવું પણ ઢોલ વાગશે અને માંડવે આવશે : ખવડ

વિપક્ષ કે સત્તા પક્ષ? કઈ પાર્ટીમાં જોડાશો? આ સવાલના જવાબ પર દેવાયત ખવડે કહ્યું કે, 'રાજકારણમાં 1000 ટકા ટુંક સમયમાં મારી એન્ટ્રી થશે. પરંતુ હું તમને પક્ષનું નથી કહેતો. પણ ઢોલ વાગશે અને માંડવે આવશે. હું આ અંગે અત્યારથી નહીં જણાવું.

એક મયાનમાં બે તલવાર ન રહી શકે : દેવાયત ખવડ

ડાયરા અને રાજનીતિ બંને સાથે કેવી રીતે શક્ય બનશે? આ સવાલ પર તેમણે કહ્યું કે, 'એક મયાનમાં બે તલવાર ન રહી શકે. એટલે હું મારી તૈયારીમાં જ છું. મારો વિચાર છે કે એક મયાનમાં એક તલવાર રાખવી.' આમ, તેમણે ડાયરા બંધ કરી દેવાની તૈયારી દર્શાવી છે.

હું સત્તા અને પૈસાની લાલચે રાજનીતિમાં નહીં આવું : દેવાયત ખવડ

દેવાયત ખવડે કહ્યું કે, 'હું રાજનીતિમાં નિષ્ઠાથી આવીશ. સત્તા અને પૈસાની લાલચે નહીં. ગરીબ, ખેડૂતોને કોઈપણ ક્ષેત્રમાં મદદ થઈ શકે તે મારો હેતુ છે. રાજકારણમાં જઈને પૈસો બનાવવાનો કોઈ ઈરાદો નથી.'

મને કડવા અનુભવો થયા છે : દેવાયત ખવડ

એવો કયો મુદ્દો છે જે રાજનીતિમાં જોડાવાની પ્રેરણા આપે? જેનાથી તમને લાગે કે રાજકારણમાં જવું જ પડશે. આ સવાલ પર દેવાયત ખવડે હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે, 'મને કેટલાક કડવા અનુભવો થયા છે. આ ક્ષેત્રમાં અનેક ડાયરા કર્યા જે લાગણીના સંબંધોથી અને સંબંધો સાચવવા માટે કર્યા છે. તેમ છતા પોઝિટિવ જવાબ મળવો જોઈએ તે ન મળ્યો, મને જશ ન મળ્યો. દુનિયા સત્તાને જ ચાહે છે. માણસમાં માણસાઈ મરી જાય તેનું દુઃખ ખુબ લાગે છે. હૃદયના સંબંધો રાખ્યા હોય તેમ છતા મને જશ નથી મળ્યો.'

દેવાયત ખવડ આ સીટ પરથી લડશે ચૂંટણી!

બનાસકાંઠામાં યોજાયેલ એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં દેવાયત ખવડે કહ્યું કે, 'ન કરે નારાયણને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા માને જિતાડી દે એમ છે, એટલો મને આ બનાસે પ્રેમ આપ્યો છે. અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે.' આ રીતે બોલતા તેમણે ડાયરામાં બનાસકાંઠાવાસીઓના પ્રેમ વિશે વાત કરતાં પોતાની ચૂંટણી લડવાની ઝીણી-ઝીણી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, બનાસકાંઠા બેઠક પરથી જ ચૂંટણી લડશે તેવી સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

બનાસકાંઠા બેઠક પર યોજાશે પેટાચૂંટણી

મહત્વની વાત એ છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર (Banaskantha MP Geniben Thakor)ની જીત થઈ છે. જે ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું (resign from MLA post) આપશે. ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને (Shankar Chaudhry) ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે.  ગેનીબેનનાં રાજીનામા બાદ હવે વાવ વિધાનસભા બેઠક ખાલી થવાને લઈ પેટાચૂંટણી યોજાશે.

    follow whatsapp