અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસનું આ ચૂંટણી પ્રત્યે વલણ ફિક્કુ જોવા મળી રહ્યું છે. તેવામાં કોંગ્રેસને વધુ એક્ટિવ રાખવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે પતાવી નાખશે.
ADVERTISEMENT
કોંગ્રેસના કાર્યકર્તાઓને એક્ટિવ થવા ટકોર
અહેવાલો પ્રમાણે અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે હતા ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે લઠ્ઠાકાંડથી લઈ અનેક એવા મુદ્દા પર કોંગ્રેસની ઠીલી નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલો મોટો લઠ્ઠાકાંડ થયો છતા કોંગ્રેસ તરફથી જોઈએ એટલા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા નહોતા.
ગેહલોતે કાર્યકર્તાઓના કામની વિગતો માગી
અશોક ગેહલોતે વધુમાં તમામ કાર્યકર્તાઓના કામની વિગતો માગી હતી. વળી જે જે સક્રિય નથી અથવા બરાબર કામ નથી કરી રહ્યા તેમને ઠપકો પણ આપ્યો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે આ બેઠક દરમિયાન કયા નેતાઓ તેમને મળશે એની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીથી સતર્ક રહેવા જણાવ્યું
ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા જેવી રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે એનાથી ભાજપમાં નવાજુની થવા લાગી છે. આમ આદમી પાર્ટીની બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત મહિલાઓ મુદ્દે મોટી જાહેરાતોના પગલે હવે ભાજપ સામે આમ આદમી પાર્ટી ઉભી રહી ગઈ છે. નોંધનીય છે કે કોંગ્રેસનું આ ચૂંટણીમાં વલણ થોડુ નબળું હોવાથી અશોક ગેહલોતે મોટાપાયે કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો આવી રીતે જ રહેશો તો અન્ય પાર્ટીઓ પતાવી નાખશે.
ADVERTISEMENT