હેતાલી શાહ/આણંદ: છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રાજનીતિમાંથી ટૂંકી બ્રેક લીધી હતી. જોકે પાછલા કેટલાક દિવસોથી તેમના રાજનીતિમાં ફરીથી પ્રવેશની વાતો સામે આવી રહી હતી. આ વચ્ચે આજે તેઓ આણંદના સર્કિટ હાઉસમાં યોજાયેલી કોંગ્રેસની એક બેઠક તેઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડૂ પણ હાજર હતા, જેમણે ભરતસિંહનું સ્વાગત કર્યું હતું. જેથી સ્પષ્ટ થાય છે કે ભરતસિંહ સોલંકીએ રાજનીતિને ટૂંકો વનવાસ પૂરો કરીને ફરીથી તેમાં પ્રવેશ કરી લીધો છે.
ADVERTISEMENT
મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો 40 બેઠક જીતવાનો દાવો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને આગામી 4 મહિનામાં જ ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસનો દાવો છે કે આ ચૂંટણામાં તે મધ્ય ગુજરાતમાં 40 જેટલી સીટો જીતશે. ત્યારે આ ચૂંટણીમાં મધ્ય ગુજરાતની સીટો પરથી જીત મેળવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
આણંદની 7માંથી 5 બેઠક પર કોંગ્રેસનો કબ્જો
આજે આણંદમાં મિશન 2022 અંતર્ગત કોંગ્રેસની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ કોંગ્રેસનો ગઢ છે અને આણંદની 7 વિધાનસભા બેઠકમાંથી 5 પર કોંગ્રેસનો કબ્જો છે. કોંગ્રેસ હવે એક નવા અભિયાન હેઠળ આગામી સમયમાં ભાજપની નિષ્ફળતાઓને લોકો સામે લાવવાનું કામ કરશે.
કોંગ્રેસના કાર્યકરોની માંગથી ભરતસિંહ પાછા ફર્યા
આણંદમાં યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત અમિત ચાવડાએ ભરતસિંહ સોલંકીના રાજનીતિના પ્રવેશ સંદર્ભે જણાવ્યું કે, ભરતસિંહે જાતે જ જાહેરાત કરી હતી કે તેઓ રાજકીય શરૂઆત કરશે. જોકે હવે ચૂંટણી નજીકમાં જ છે અને કોંગ્રેસના કાર્યકર્તા તથા રાજકીય હોદ્દેદારોની જે માંગ હતી કે ભરતસિંહ ફરીથી રાજકારણમાં સક્રિય થાય અને 2022ની ચૂંટણી નજીકમાં છે જેનાથી તેમનો જે અનુભવ છે તે આ ચૂંટણીમાં કામ આવશે. જેથી આજની મીટિંગમાં તેમણે રાજનીતિમાં ફરીથી પ્રવેશ કરી લીધો છે.
ADVERTISEMENT