હેતાલી શાહ.આણંદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ હાંસ્યામાં ધકેલાઈ રહી છે અને એવામાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળે તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. જે અંતર્ગત આજે કોંગ્રેસના હોદ્દેદાર સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તરફ ચૂંટણી ટાંણે પોતાના શહેર કોંગ્રેસ અધ્યક્ષ જ દગેબાજ નીકળતા કોંગ્રેસમાં જોવા જેવી થઈ છે.
ADVERTISEMENT
કોંગ્રેસના કયા કયા નેતાઓએ પહેર્યો ભાજપનો ખેસ?
2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. પણ રાજકીય માહોલ તો અત્યારથી જ ગરમાઇ ગયો છે. કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા કેટલાય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઈને હવે પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારોમાં રાજકીય ચહલ પહલ તેજ બની છે.જેના ભાગરૂપે મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત મોટી સંખ્યામા કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી કમળ પકડી લીધુ છે. આજે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અપૂર્વ પટેલ, સ્થાનિક ધારાસભ્યો માતરના કલ્પેશ પરમાર અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં નડિયાદ સ્થિત કમલમ ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયેલા સમારંભમાં મહુધા તાલુકા પંચાયતના સભ્ય ભરતસિંહ સોઢા અને રમેશ વસાવાએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. સાથે જ ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલ, રોહિત પટેલ સહિત 38થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.
વડોદરા ભાજપના MLAનો થયો રમખાણના કેસમાં છૂટકારોઃ શૈલેસ મહેતા નિર્દોષ જાહેર
તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 2 સભ્યોનું નુકસાન
આ અંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ” અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં જે 156 સીટો આવી છે, એમાં ખેડા જિલ્લામાં છ એ છ સીટ આવી છે. અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ એમને સમગ્ર દેશના બધા નાગરિકોને પરિવારની જેમ સાચવી અને બધાના માટે કલ્યાણકારી યોજનાના ફળ સ્વરૂપ મહુધા વિધાનસભા વર્ષો બાદ અમે આંચકી છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ આ સીટ મેળવ્યા બાદ તાલુકા પંચાયતમાં જે સભ્યો હતા તેમાં 3 સભ્યો કોંગ્રેસના હતા જેમાંથી 2 સભ્યો આજે અમારા ધારાસભ્ય સંજયસિંહ મહિડાના કાર્યોથી આકર્ષાઈને તેમને ભાજપમાં જોડ્યા છે. તદુપરાંત મા બાપ વિહોણી છોકરીને પરણવાનું અને ધ્યાન રાખવાનો મોટો કાર્યક્રમ કર્યો અને પોતાના વિસ્તાર માટે પણ એમણે હરતું ફરતું કાર્યાલય બનાવ્યું. એનાથી આકર્ષાઈને કોંગ્રેસના લોકો પણ પોતાની પાર્ટી છોડી અને પ્રજાના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેના ભાગ રૂપે આજે મહુધા ના 2 તાલુકા પંચાયતના સભ્યો ભાજપા માં જોડાયા છે. તદુપરાંત શક્તિના સરવા ના ભાગ રૂપે ખેડા શહેરમાં પણ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના ખેડા શહેરના ચાલુ પ્રમુખ એમના 38 સાથીદારો સાથે ભાજપમાં જોડાયા છે. કુલ મળીને આ તાલુકા અને શહેર માટે ખૂબ જ આનંદનો વિષય છે અને બંને વિસ્તારના ધારાસભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સંગઠનને ખુબ ખુબ અભિનંદન આપું છું.”
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપે ખેડા જિલ્લામાંથી કોંગ્રેસને નામશેષ કરવા માટે એક મુહીમ શરૂ કરી હોય એમ એક બાદ એક કોંગ્રેસીઓ ભાજપમા જોડાઈ રહ્યા છે. હજી 29 મે ના રોજ મહેમદાવાદના 155થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અને હવે બે મહિના બાદ ફરી કોંગ્રેસના હોદ્દેદાર સહીત કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી લીધો છે. ત્યારે હવે સવાલએ થાય છે કે, શું આવનાર ચૂંટણીઓ સુધી કોંગ્રેસ ખેડા જિલ્લામાં ફરી બેઠી થઈ શકશે? કારણ એક સમયે ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો. પરંતુ મોદી લહેરે આ ગઢને ધ્વસ્ત કરી દીધો છે અને એમાય ભાજપનું જિલ્લા સંગઠન પણ હવે મજબૂત થઈ ગયું છે. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા લોકસભાની ચૂંટણીઓમા કોંગ્રેસ પોતાનો ગઢ પાછો મેળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું.
ADVERTISEMENT