અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ સમય બાકી રહ્યો છે. એવામાં રાજકીય પાર્ટીઓ પૂરજોશથી પ્રચારમાં લાગી ગઈ છે. નેતાઓ કાર્યકર્તાઓને સક્રિય કરવા માટે તેમનામાં નવો જોશ ભરવા મેદાનમાં ઉતર્યા છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્ટિવ થઈ ગયા છે. ગઈકાલે CM અમરેલીમાં ટિફિન બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરોને અંદરો અંદરનો વિવાદ ભૂલીને પક્ષ માટે કામે લાગી જવા હાકલ કરી હતી.
ADVERTISEMENT
કાર્યકરોને મુખ્યમંત્રીની ટકોર
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક કાર્યકરો બેઠકોમાં માત્ર ફોટા પડાવવા અને પ્રસિદ્ધિ માટે જ જતા હોય છે. તેમના ભાગ્યમાં કામ કરવાનું નથી હોતું. તેમણે ચૂંટણી ટાણે અંદરોઅંદરના વિવાદો ભૂલી પક્ષના કામે લાગી જવું જોઈએ. ઘણા લોકો કામ કરતા હોવાનો દેખાડો કરે છે. ફોટોગ્રાફી પૂરી થતા જ કામને મૂકી દે છે. આ રીતે પક્ષ અને સરકાર નહીં ચાલે, તમામ લોકો સક્રિય થઈને કામગીરીમાં લાગી જાય.
ગઈકાલે જ ભાજપે કોર કમિટીમાં ફેરફાર કર્યો
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા જ ભાજપમાં ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો હતો. ચૂંટણી પહેલા BJPની કોર કમિટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપની કોર કમિટીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી ફળદુ તથા ભારતીબેન શિયાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT