અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવા જઇ રહી છે. રાજ્યમાં સરકાર રચવા માટે ભાજપ, કોંગ્રસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. સત્તા પર આવવા માટે પક્ષની સાથે સાથે વ્યક્તિનું પણ આગવું મહત્વ હોય છે. અનેક બેઠકો એવી હોય છે કે જ્યાં ઉમેદવાર કોઈ પણ પક્ષમાંથી મેદાને હોય તે જીતી આવે છે. ત્યારે ભાજપના નેતા અને કોંગ્રેસના પૂર્વ નેતા બ્રિજેશ મેરજાને બારીકાઈથી જાણીએ.
ADVERTISEMENT
રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર જતાં જ અનેક નેતાઓના રાજકીય કરિયર પર સવાલો ઊભા થયા હતા ત્યારે અનેક નેતાઓને અચાનક લોટરી લાગી છે. આવા જ એક નેતામાં બ્રિજેશ મેરજાનું નામ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બ્રિજેશ મેરજાને લોટરી લાગી હતી. નવી સરકારમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સોંપવમાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી બ્રિજેશ મેરજાએ પત્રકારત્વ કરી અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું.
અભ્યાસ
બ્રિજેશ અમરશીભાઈ મેરજા, 65 મોરબી મતવિભાગ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1લી માર્ચ, 1958ના રોજ ચમનપર ખાતે થયો હતો. તેમણે બી.કૉમ., ડિપ્લોમા ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન, ગવર્નમેન્ટ ડિપ્લોમા ઈન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ.બી. (પ્રથમ વર્ષ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સલટન્સી અને સમાજસેવા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે.
સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ
બ્રિજેશ મેરજા ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના મંત્રીમંડળમાં કામ કર્યું છે. તેઓ મંત્રીમંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે. વર્ષ 2007થી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ બ્રિજેશ મેરજાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પૂર્વ ડેલીગેટ, પૂર્વ મંત્રી અને મહામંત્રી તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંગઠનમાં તેઓ કાર્યરત રહ્યા છે.
ભાઈના પ્રમોશન માટે જોડાયા ભાજપમાં?
ભાજપને ચૂંટણીમાં ધૂળ ચાટતી કરનાર બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા ત્યારે આરોપ લગાવવામાં આવતો હતો કે, રમેશ મેરજાને આઇએએસનું પ્રમોશન મળે તે માટે બ્રિજેશ મેરજા ભાજપમાં રાજકીય સોદો કર્યો હતો. બ્રિજેશ મેરજાની કુલ સંપતિની વાત કરવામાં આવે તો 2,01,57,818 છે
પક્ષ પલટાનો ઇતિહાસ
સરકારી નોકરી છોડી વર્ષ 2007માં રાજકારણમાં પ્રવેશ કરી બ્રિજેશ મેરજા કોંગ્રેસ તરફથી ટંકારા બેઠક પર ચૂંટણી લડ્યા હતા જેમાં તે મોહન કુંડરિયા સામે ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ 2012માં તે કોંગ્રેસ પક્ષ તરફથી મોરબી બેઠક પર ચૂંટણી લડ્યા અને ત્યાં તેમણે કાંતિ અમૃતિયા સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન તે ભાજપમાં જોડાયા અને પાટીદાર આંદોલન બાદ તે ફરી કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસ દ્વારા 2017માં તે મોરબી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને વિજેતા થયા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવા લાગ્યા અને ફરી એક વખત મેરજાએ કોંગ્રેસનો હાથ છોડ્યો અને ભાજપમાં જોડાયા.
પ્રેસ કોન્ફરન્સમાં વાટ્યો ભાંગરો
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો કૉંગ્રેસ પ્રેમ થોડો સમય જોવા મળ્યો હતો. કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં શબ્દોના ગુંચવાડા ઊભા કર્યા હતા. મેરજાએ ભાંગરો વાટતા સોશિયલ મીડિયા પર રમૂજ થઈ હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા. મેરજા કહ્યું હતું કે કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે. ભાજપના નેજા હેઠળ કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’ આ ઉપરાંત મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.
ADVERTISEMENT