ગોપી મણીયાર-ઘાંઘર/ગાંધીનગર : જે વસ્તુનો વિરોધ કરીને હાલ ભાજપે પોતાનું વ્યક્તિત્વ નિખાર્યું છે અને રાજનીતિ કરી છે તે જ સમસ્યા હવે ભાજપ માટે માથાનો દુખાવો બની ગઇ છે. ખાસ કરીને ગુજરાત ભાજપમાં હાલ આ મુદ્દો સળગતા ચરૂ જેવો છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ સી.આર પાટીલ નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવા માંગે છે તેના કારણે તેઓ અગાઉ પણ 60 થી વધારેની ઉંમરના નેતા કે ધારાસભ્યને ટિકિટો ફાળવે તેવી શક્યતાઓ ખુબ ઓછી છે. આ ફોર્મ્યુલા પર તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ કરી ચુક્યાં છે. હાલમાં જ થયેલા ગુજરાતના સત્તા પરિવર્તનમાં પણ આ વાત જોવા મળી કે જેમાં વૃદ્ધ નેતાઓને સ્થાન અપાયું નહોતું અને ક્યાંક અપાયું હોય તો પણ નાનુ મંત્રાલય સોંપાયું હતું. તેવામાં અનેક દિગ્ગજ નેતાઓ છે જે પોતાની ટિકિટ કપાશે તેવી ભીતિના કારણે પોતાનાં પરિવારનાં વ્યક્તિઓ માટે ટિકિટની દોડાદોડી કરી રહ્યા છે.
ADVERTISEMENT
સી.આર પાટિલ સામે સૌથી મોટો પડકાર
જો કે સી.આર પાટિલ દ્વારા પરિવારવાદની વિરુદ્ધ પણ રણશિંગુ ફૂંક્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓએ અનેક નેતાના પુત્ર પુત્રીઓને કોર્પોરેશનના વોર્ડ લેવલની ટિકિટ આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. પોતાની દબંગ છાપના કારણે જાણીતા મધુ શ્રીવાસ્તવે આ મુદ્દે ખુબ ધમપછાડા પણ કર્યા હતા. હાલ તો 75 વર્ષથી વધારેની ઉંમરના અનેક નેતાઓને હવે વિધાનસભા ચૂંટણીમાં સ્થાન ન આપીને માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવામાં આવે તેવી શક્યતા છે.
27 વર્ષોથી ભાજપનો ગુજરાતની રાજનીતિમાં દબદબો
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપ ગ્રામપંચાયતથી લઇને વિધાનસભા સુધી એક હથ્થુ શાસન ચલાવી રહી છે. જો કે હવે ભાજપનાં ધારાસભ્યો અને સાંસદો જ્યારે પોતાનું પત્તુ કપાય તેમ લાગી રહ્યુ છે ત્યારે પુત્ર-પુત્રીને સેટ કરવાના મુડમાં છે. તેવામાં ગુજરાતના અનેક નેતાઓ પોતાના પરિવાર માટે ટિકિટ મુદ્દે લાઇનમાં જોવા મળી રહ્યા છે. તેવામાં જો ટિકિટ આપે તો પરિવારવાદનું ચિત્ર ઉભુ થાય તેમ છે, જો ન આપે તો આ જ નેતાઓ પોતાના મત વિસ્તારમાં ભાજપને જ નુકસાન પણ પહોંચાડી શકે છે.
અનેક ભાજપના નેતાઓ પક્ષ વિરુદ્ધ પડે તેવી શક્યતા
ભાજપ માટે આમ આદમી પાર્ટી, તેની લોકપ્રિયતા અને તેની આક્રમકતા પહેલાથી જ માથાનો દુખાવો બનેલી છે. તેવામાં જો ભાજપનાં જ નેતાઓ પક્ષ વિરુદ્ધ પડે તો ભાજપ માટે આ વખતે મોટી સમસ્યા પેદા થઇ શકે છે. તેવામાં આવા દિગ્ગજ નેતાઓની નિષ્ક્રિયતા અને પક્ષ વિરોધી પ્રવૃતી ભાજપની અનેક સીટો છીનવી શકે છે. અત્રે નોંધનીય છેકે, ગત્ત વિધાનસભા ચૂંટણીમાં આપ નહી હોવા છતા પણ ભાજપ સ્પષ્ટ બહુમતીથીમાત્ર 7 સીટ વધારે (99 સીટ) લાવી શકી હતી તેવામાં આ વખતે નાગરિકોમાં અસંતોષ, પોતાના દિગ્ગજ નેતાઓનો અસંતોષ અને આપની સક્રિયતા ભાજપની 27 વર્ષથી અગડગ ચાલી રહેલી નૈયાની ડુબવી શકે છે.
સી.આર અને સી.એમ સફળ રહ્યા તો રાષ્ટ્રીય સ્તરે કદ વધી જશે
જો કે ભાજપ દ્વારા 75 વર્ષથી વધારેની ઉંમરના નેતાઓના પુત્ર અને પુત્રીઓ માટે ટિકિટ માંગી રહ્યા છે. તેવામાં આવા દિગ્ગજ નેતાઓને કાપીને તેમના પરિવારને પણ ટિકિટ નહી આપીને જો ભાજપ ચૂંટણી જીતી જાય છે તો આગામી ભવિષ્યમાં ઘણા નવા ચહેરાઓ રાજનીતિમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત એક અનોખો ટ્રેન્ડ પણ સેટ કરી શકે છે. ઉપરાંત સી.આર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલનાં કદમાં પણ વધારો થઇ શકે છે.
ADVERTISEMENT