ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારમાં ગઈકાલે થયેલા મોટા ફેરફારો વચ્ચે આજે ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ચૂંટણી પહેલા BJPની કોર કમિટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપની કોર કમિટીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી ફળદુ તથા ભારતીબેન શિયાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બી.એલ સંતોષની ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક
નોંધનીય છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા આજે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ સંતોષ ગુજરાત પહોંચ્યા હતા. તેમણે આજે કમલમ ખાતે ભાજપના પદાધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. ત્યારે ભાજપની કોર કમિટીમાં સિનિયર નેતાઓની એન્ટ્રી થઈ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ભાજપની સરકારમાંથી અચાનક બે મંત્રીઓ પાસેથી તેમના વિભાગ છીનવી લેવાયા છે.
BJPની કોર કમિટીમાં કોણ કોણ સામેલ?
ભાજપની કોર કમિટીમાં હવે સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન ભટ્ટ, રત્નાકર, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા, રજની પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી. ફળદુ, ભારતીબેન શિયાળ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
ચૂંટણી પહેલા સીનિયર નેતાઓને કોર કમિટીમાં સ્થાન
નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ભાજપે પોતાના સીનિયર નેતાઓનો કોર કમિટીમાં સમાવેશ કર્યો છે. આ પહેલા ભાજપની કોર કમિટીમાં 12 સભ્યો હતા, જ્યારે હવે કોર કમિટીમા 6 નવા સિનિયર નેતાઓનો સમાવેશ કરતા 18 સભ્યો થયા છે.
ADVERTISEMENT