શક્તિસિંહ રાજપુત.અંબાજીઃ ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્ર ને માત્ર શહેરો સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકાઓમાંનો એક છે અને આ તાલુકો પહાડી અંતરિયાળ અને પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. અહીં સરકારના વિકાસના વાયદા તો પહોંચ્યા છે પરંતુ વિકાસને પહોંચતા પહોંચતા ફિણ આવી જાય છે. અહીંના લોકોએ ગુજરાત સરકારને જ પાઠ ભણવો પડે તેવું કામ કર્યું છે. અહીં લોકોએ જાતે જ બજેટ ઊભુ કરીને પોતાના માટે બ્રિજ બનાવી દીધો છે.
ADVERTISEMENT
ગામના લોકોની રજૂઆતો સરકારના કાને ના પડી
દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા બોરડીયાલા ગામના લોકો ચોમાસાની ઋતુમાં પોતાના ગામ પાસે આવેલી કીડી મકોડી નદીમાં પાણીનો વધારે પ્રવાહ આવતા એક તરફથી બીજી તરફ જવા માટે ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હતા. આઝાદી બાદ પણ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરીને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા. શાળાના બાળકો પણ રોજ ભણવા માટે શાળાએ જીવના જોખમે નદી પાર કરીને ભણવા જતા હતા ત્યારે તાજેતરમાં નદીમાં પાણી વધુ આવતા ગ્રામજનોએ ટ્રેક્ટર અને રસ્તાઓ દ્વારા નદી પાર કરી હતી. ત્યારબાદ ગ્રામજનો ફરીથી સરકારમાં રજૂઆત કરતા સરકારે તેમની વાતને ગંભીર ન લેતા બોરડીયાલા ગામના મંડારાવાસના ગ્રામજનોએ જાતે જ ફાળો એકઠો કરીને કીડી મકોડી નદી ઉપર પુલ બાંધ્યો છે ,આ પુલ બનાવવામાં શાળામાં ભણતા બાળકો અને તેમના પરિવારજનો જોડાયા હતા અને નદી પર પુલ બાંધ્યો હતો. આમ સરકાર માટે આ ઘટના શરમજનક બની ગઈ છે. એક તરફ ડિજિટલ ગુજરાત અને શાળાના બાળકો ભણે તે માટે શાળાથી ઘર સુધી રસ્તાઓની વાત થઈ રહી છે ત્યારે એક નાનકડો પુલ પણ આઝાદી બાદ પણ આ વિસ્તારમાં બની શક્યો નથી.
બાળકો પણ આ કાર્યના સહભાગી થયા
દાંતા તાલુકાના પહાડી અંતરિયાળ વિસ્તારમાં આવેલા બોરડીયાલા ગામના મંડારવાસમાં રહેતા લોકોએ આઝાદી બાદથી પોતાના વિસ્તારથી બોરડીયાલા ગામ જવા માટે કીડી મકોડી નદી પર પુલ બનાવવાની રજૂઆતો કરી કરીને થાકી ગયા હતા. આ ગ્રામજનોએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી વધારે આવવાથી નદી પાર કરવામાં ભારે તકલીફ પડતી હતી અને અમારા બાળકો જે શાળામાં ભણે છે તે શાળામાં ન જઈ શકતા શાળામાં બાળકોની ગેરહાજરી પડતી હતી. ત્યારે અમે આ બાબતે અવારનવાર રજૂઆત કરતા આવ્યા છીએ પણ બહેરું તંત્ર અમારી વાત ન સાંભળતા અમે અમારા વિસ્તારના આસપાસના લોકો દ્વારા ફાળો એકઠો કરીને નદી ઉપર જાતે જ પુલ બનાવ્યો છે. મંડાર વાસના લોકો અને અહીં ભણતા સો જેટલા બાળકો આ પુલ બનાવવામાં સહભાગી થયા હતા. થોડા દિવસ પહેલા આ નદીમાં ભારે પાણી આવતા ગ્રામજનો નદીના બંને તરફ ટ્રેક્ટર ઊભા રાખીને વચ્ચે તાર દ્વારા નદી પાર કરી હતી ત્યારબાદ પણ તંત્ર દ્વારા આ ગરીબ લોકોને કોઈ પણ સહાય કરવામાં આવી ન હતી અને નદી પર પૂલ પણ બનાવવામાં મદદ ન કરતા ગ્રામજનો ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો હતો. આ નદીમાંથી પસાર થતાં ક્યારેક તણાઈ જવાની બીક લાગતી હોય છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પુલ ન બનવાના કારણે જ્યારે અમારા ગામના 4 લોકો બીમાર પડ્યા હતા, તેમને સારવાર ન મળતા જેમના મોત પણ થયા હતા ત્યારબાદ અમે બધા ગ્રામજનો એકઠા થઈને પુલ બનાવ્યો છે. અમારા વિસ્તારના 100 જેટલા બાળકોને ભણવું છે એટલે આ બાળકો પણ હાથમાં પથ્થર લઈને નદી પર પુલ બનાવવામાં અમને ઘણી મદદ કરી રહ્યા છે.
ભરૂચની આ બહેન મસ્કતમાં ફસાઈઃ કરી આજીજી કહ્યું, મને બચાવી લ્યો, બહુ મારે છે
શું કહે છે લોકો?
સ્થાનીક રહેવાસી બુંબડીયા જોગાભાઈ જોરાભાઈએ જણાવ્યું હતું કે, આઝાદી બાદથી આ સમસ્યા યથાવત છે અને હું જન્મયો ત્યારથી પણ કીડી મકોડી નદી પર પુલ બનાવવા માટે રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ. પણ સરકાર અમારી વાતો સાંભળતી નથી. એટલે અમે જાતે જ ફાળો એકઠો કરીને પુલ બનાવ્યો છે.
સ્થાનીક વિદ્યાર્થી ગમાર ચેતનભાઇ પ્રવીણભાઈ કહે છે કે, નદીમાં ભારે પાણી હોવાથી અમે શાળાએ જઈ શકતા નથી અને આ કારણે શાળામાં અમારી ગેરહાજરી પડે છે અને આ કારણે અમારો અભ્યાસ બગડે છે. એટલે આજે અમે પથ્થરો લઈને નદી પર પુલ બનાવવામાં અમે અમારા પરિવારને મદદ કરી છે અને મેં પણ મારા ગલ્લામાંથી રૂપિયા આપી મારા પરિવારજનોને પુલ બનાવવા માટે સહાય આપી છે. મારે પણ મોટા થઈને અધિકારી બનવું છે અને મારે ભણવું છે.
રહેવાસી બુંબડીયા ચંદુભાઈ બધાભાઈએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે નેતાઓ અમારા ગામમાં મોટા મોટા વચનો આપવા આવે છે પણ ચૂંટણી પૂરી થયા બાદ તેઓ અમારા ગામ તરફ મોઢું બતાવવા પણ આવતા નથી. એટલે અમે વિકાસની વાતો સાંભળીને થાકી ગયા છીએ અને જાતે જ ફાળો કરીને પુલ બનાવ્યો છે. થોડા દિવસ પહેલા અમારા ગામમાં ચાર લોકો બીમાર પડ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર ન મળતા અને નદીમાં પાણી વધારે હોવાથી હોસ્પિટલ લઈ જવામાં મોડું થતા તેમના મૃત્યુ થયા હતા એટલે અમે ફાળો એકઠો કરીને તાત્કાલિક ધોરણે પુલ બનાવ્યો છે.
ADVERTISEMENT