અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીનું વાતાવરણ પોતાની તરફ કરવા રાજકીય પક્ષો એક પછી એક મોહરા મેદાને ઉતારી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી મળેલી સત્તા ટકાવી રાખવા માટે પાસા ફેકશે જ્યારે કોંગ્રેસ સત્તા પર આવવા માટે મરણિયો પ્રયાસ કરશે ત્યારે આમ આદમી પાર્ટી પંજાબ બાદ ગુજરાતમાં સત્તાની ખુરશી મેળવવા પ્રયાસ હાથ ધરશે. ગુજરાતમાં ભાજપ હવે યુવાનોના મત મેળવવા માટે ભાજપે યુવા સંયોજકોને મેદાને ઉતાર્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપનો એક એક કાર્યકર જહેમત ઉઠાવી રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા એક પછી એક નિર્ણય અને નિમણૂક દ્વારા જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ દૌર આજે પણ યથાવત રહ્યો છે અને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા વિધાનસભા ચૂંટણી-2022 માટે યુવા મોરચા વિધાનસભાના સંયોજકઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. યુવાનો આવનાર રાજકીય યુગનો અરીસો છે ત્યારે ભાજપે યુવાઓને મેદાને ઉતારી મહત્વની રાજકીય ચાલ રમી છે. આમ પણ ભાજપના નિર્ણયથી તમામ લોકો ચકિત થઈ જાય છે ત્યારે ભાજપે હવે વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે યુવા સંયોજકોને મેદાને ઉતાર્યા છે.
ભાજપના યુવા મોરચાના સંયોજકો વિધાનસભાની જવાબદારી સંભાળશે. વિધાનસભા સીટ દીઠ યુવા મતદારો સાથે યુવા સંયોજકો સીધો સંપર્ક સાધશે. વિધાનસભા વિસ્તારમાં ભાજપની વિચારધારાનો ફેલાવો કરશે. આ યુવા સંયોજકો ભાજપ તરફી મતદારોને લાવવા પ્રયાસ હાથ ધરશે. ભાજપના પ્રચાર અભિયાનને વેગ આપવા મહત્વનું યોગદાન આપશે. આ સાથે યુવા મોરચાના સંયોજકો વિસ્તારકો સાથે સંકલન કરી પક્ષને મજબૂત કરવાની કામગીરી કરશે, ઓગસ્ટ મહિનાના અંતમાં યુવા મોરચાના સંયોજકોની બેઠક યોજશે અને ચૂંટણી માટે રણનીતિ ઘડશે.
ADVERTISEMENT