અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું બળ લગાવી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા આજે ભાવનગરના પ્રવાસે છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા માંગ કરી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં દિવસેને દિવસે રાજકીય માહોલ જામતો જાય છે. રાજકીય આગેવાનો મતદારને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે ભાવનગર છે ત્યારે આજે તેમણે ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે , દેશ પ્રેમ માટે પોતાનો રાજપાટ છોડી દેનાર મહાન પ્રજાવત્સલ રાજવી મહારાજ કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીને ભારતરત્ન આપવામાં આવે.
ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આઝાદી પછી સૌથી પહેલા પોતાનું રજવાડું કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને સોંપી દીધું હતું. ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારજી ગોહિલનો ભારતને અખંડ બનાવવા માટે સિંહફાળો રહ્યો છે. ત્યારે કૃષ્ણકુમારજી ગોહિલને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે અત્યારસુધી અનેક સંસ્થાઓ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવ વંદના નામના ટ્રસ્ટ દ્વારા 3.50 લાખ પોસ્ટકાર્ડ ભાવનગરના લોકો દ્વારા સરકારને લખવામાં આવ્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના સંયોજકે ભાવનગરના લોકોની માંગને ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પાસે કૃષ્ણકુમાર સિંહજીને ભારતરત્ન આપવાની માંગ કરી છે.
મોરારી બાપુએ પણ કરી હતી માંગ
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ દિવસે એટલેકે 19 મે ના રોજ કથાકાર મોરારીબાપુ દ્વારા પણ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી હતી. મોરારી બાપુએ સરકારને અપીલ કરી હતી કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે, આજે વર્ષો વીતી ગયા છતાં સમગ્ર ભાવનગરના લોકો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભૂલી શકતા નથી જેનું કારણ છે કે, ભાવનગરના એ મહાન રાજવીએ ભાવનગરની પ્રજા માટે અદભુત કામ કર્યું છે.
ADVERTISEMENT