ચૂંટણી બાદ ભાજપમાં સબ સલામત? વધુ એક જિલ્લા અધ્યક્ષે રાજીનામું ધરી દીધું

ડાંગ: વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને વિક્રમ તો સર્જી દીધો. પણ કહેવાય છે ને કે જેટલા જાજા ભેગા થાય એટલો કજીયા વધારે…

gujarattak
follow google news

ડાંગ: વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને વિક્રમ તો સર્જી દીધો. પણ કહેવાય છે ને કે જેટલા જાજા ભેગા થાય એટલો કજીયા વધારે થાય. આમ તો ભાજપ શિસ્ત બેઝ અને કેડર બેઝ પાર્ટી ગણાય છે. પરંતુ અંદરોઅંદર ડખ્ખા ચાલ્યા કરે છે. એક સારી વાત એ કહી શકાય કે હાઈકમાન્ડનો આદેશ શિરોમાન્ય. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપમાં સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. પાર્ટીના પ્રમુખો સ્વૈચ્છિક રાજીનામાં આપી રહ્યાં છે. ત્યારે વધુ એક રાજીનામું પડ્યું છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે પોતાનું રાજીનામું પ્રદેશ અધ્યક્ષને ધરી દીધું છે.

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું, તેમના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો, જેમાં તેમણે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપવા જણાવ્યું છે. જો કે,  છેલ્લા ઘણા દિવસોથી ઘણા લોકોમાં નારાજગી જોવા મળી હતી . ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈ ડાંગ  જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે.  આગામી દિવસોમાં વધુ ઘણા લોકો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા પડ્યા હતા એક સથે 13 રાજીનામાં
વિધાનસભાની ચૂંટણી પહેલા સુબીર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 13 સભ્યોએ એક સાથે રાજીનામુ આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. સુબીર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ ભોયે સહિત અન્ય 13 સભ્યોએ રાજીનામુ આપી દીધુ હતું. એક સાથે રાજીનામું ધરી દેતા ભાજપમાં રહેલો આંતરિક જૂથવાદ હવે બહાર આવ્યો હતો. પાર્ટીના આદેશ અનુસાર કામ કરવા છતાં સન્માન ન જળવાતા સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી હતી.

આ પણ વાંચો: BJP નેતાની ગોળી મારી હત્યા, હુમલાખોર ફાયરિંગ કરી થયા ફરાર

થઈ રહ્યા છે સંગઠનમાં ફેરફાર
છેલ્લા થોડા મહિનામાં અંદાજે 9 થી વધુ શહેર કે જિલ્લાના પ્રમુખ બદલવા પડ્યાં. જેમાં બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર અને જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા શહેરના પ્રમુખોના રાજીનામા લેવામાં આવ્યા છે.ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રાજીનામાં પાછળ મહત્વના કોઈ કારણ હોય તો બે પ્રકારના કારણો જોવા મળી રહેલા છે. પહેલું કારણ ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દોનો નિયમ છે. આ નિયમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમરેલી જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા ધારાસભ્ય બનતા તેમનું જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું લીધું હતું.  તે જ રીતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ધારાસભ્ય બનતા તેમનું રાજીનામું લેવામાં આવેલું તો તે જ રીતે ખેડા જિલ્લા પ્રમુખ અમૂલ ડેરીમાં હોદ્દેદાર બનતા તેમનું પણ રાજીનામું લેવામાં આવેલ તો બીજું કારણ એ છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમુક જિલ્લા પ્રમુખો દ્વારા પક્ષ વિરોધની કામગીરી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. જેના કારણે અનુક જિલ્લા અને શહેર પ્રમુખોના રાજીનામા લઈ લેવાયા છે.

(વિથ ઈનપુટ: રોનક જાની, ડાંગ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp