Ahmedabad Politics: રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ અંગે કરેલી એક ટિપ્પણીથી અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલયની બહાર ભારે હોબાળો મચ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કરતા પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો. જોકે હવે આ ઘટના અંગે નવો ખુલાસો થયો છે, જે મુજબ કોંગ્રેસ શહેર પ્રમુખના ઈશારે પથ્થરમારાની ઘટનામાં ભાજપ શહેર પ્રમુખના પુત્રનું નામ FIRમાં ન નોંધવામાં આવ્યું.
ADVERTISEMENT
ભાજપ-કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે ઈલુઈલુની ચર્ચા
પાલડી ખાતે આવેલા કોંગ્રેસ ભવનની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારના રિપોર્ટ મુજબ, કોંગ્રેસના નેતાએ ભાજપ શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો વીડિયો મોકલ્યો હતો. જેમાં અમિત શાહનો પુત્ર સ્પષ્ટ પથ્થરમારો કરતા દેખાતો હતો. આ પાછળ કોંગ્રેસ નેતાઓનો ઈરાદો એવો હતો કે ભાજપના જે ફરિયાદ નોંધાવે તેમાં તેમનું નામ ન આવે. આમ ભાજપ શહેર પ્રમુખ અને કોંગ્રેસ શહેર પ્રમુખના ઈલુઈલુની ઘટનામાં કસૂરવાર કાર્યકરોને બચાવી લેવાયા અને બીજા કાર્યકરોને આગળ કરીને તેમને ફસાવી દેવામાં આવ્યા હતા.
બંને પાર્ટીના કાર્યકરોમાં કેમ છે રોષ?
વિગતો પણ એવી પણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના ઈશારે ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયું નથી. તો ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી આવ્યું. જેને લઈને બંને પાર્ટીના કાર્યકરોમાં આંતરિક વિરોધની જ્વાળા ભભૂકી ઉઠી છે. તો આ સમગ્ર મામલો રાહુલ ગાંધી સુધી પણ પહોંચી ગયો છે.
રાહુલ ગાંધીએ હાલમાં જ કોંગ્રેસની ખામી બતાવી હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલયની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એક નિવેદન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસની ખામી બતાવતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક લગ્નનો ઘોડો અને એક રેસનો ઘોડો. હવે શૈલેષ પરમાર કયા પ્રકારના ઘોડા છે રેસના ઘોડા કે લગ્નના ઘોડા? આ તો કોંગ્રેસે જ નક્કી કરવાનું રહેશે.
ADVERTISEMENT