વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીના વડોદરાના ઉમેદવાર હાલમાં ચર્ચામાં આવ્યા છે. વડોદરાની સયાજીગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસ ગઈકાલે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જોકે તેમણે ફોર્મ ભર્યા બાદ ડિપોઝિટ સ્વરૂપે 1-1 રૂપિયાના 10 હજાર સિક્કા જમા કરાવ્યા હતા. એવામાં કચેરીમાં જ વહીવટી તંત્રના કર્મચારીઓ રીતસર બેંકમાં પૈસાની ગણતરી ચાલતી હોય તેમ જમીન પર બેસીને પૈસા ગણતા દેખાયા હતા.
ADVERTISEMENT
સયાજીગંજ બેઠક પરથી લડી રહ્યા છે સ્વેજલ વ્યાસ
વડોદરાની સયાજીગંજ બેઠકથી ઉમેદવારી નોંધાવનારા સ્વેજલ વ્યાસે ગઈકાલે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું. તેમણે ચૂંટણીની ડિપોઝિટ લોકો પાસેથી 1-1 રૂપિયો માગીને ભેગી કરી હતી અને આ જ રૂપિયાના સિક્કા એક પોટલામાં લઈને ગઈકાલે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. જોકે ઉમેદવાર પાસે 1-1 રૂપિયાના સિક્કા જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ સિક્કા ગણવામાં 6-7 કર્મચારીઓ કામે લાગ્યા હતા અને લગભગ 1 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બાદ ઉમેદવારની નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
1-1 રૂપિયાના સિક્કા લઈને ફોર્મ ભર્યું
નોંધનીય છે કે સ્વેજય વ્યાસે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ માત્ર ચિલ્લર નથી પરંતુ લોકોએ આપેલો આશીર્વાદ છે અને ચૂંટણી લડવાની પ્રેરણા છે. હું આ 10 હજાર લોકોનો આશીર્વાદ સિક્કા સ્વરૂપે લઈને ફોર્મ ભરવા આવ્યો છું. ઉલ્લેખનીય છે કે સયાજીગંજ બેઠક વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી સૌથી મોટી બેઠક છે. અહીં ભાજપે કેયૂર રોકડીયા તો કોંગ્રેસે અમીબેન રાવતને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસ ચર્ચાનો વિષય બન્યા હતા.
ADVERTISEMENT