નવી દિલ્હી: દિલ્હી થી શરૂ કરેલી સફરમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં સરકાર બનાવી અને ત્યાર બાદ આમ આદમી પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં તમામ બેઠક પર પોતાના ઉમેદવાર મેદાને ઉતારવા જઇ રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત બાદ હવે આમ આદમી પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં પણ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કાશ્મીર ચૂંટણી બાબતોના પ્રભારી ઈમરાન હુસૈને કહ્યું કે જો, પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં આવશે તો લોકોને મફત વીજળી, સારી આરોગ્ય અને પરિવહન સેવાઓ મળશે. આ સાથે બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ મોડલ તૈયાર કરવામાં આવશે. કાશ્મીર ઘાટીની મુલાકાતે આવેલા ઈમરાન હુસૈને કહ્યું કે, AAP જમ્મુ અને કાશ્મીરની તમામ સીટો પર ચૂંટણી લડશે અને આશા છે કે લોકો તેમના પર વિશ્વાસ કરશે. ‘વિકાસ’ જ આપનો ચહેરો છે.
ઈમાનદારી AAPનું મોડલ
તેમણે કહ્યું કે, જનતાની માંગ પર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. આ માટે અમે સામાન્ય જનતા સાથે ચર્ચા કરીશું જેથી ભ્રષ્ટાચાર મુક્ત ચહેરાઓ ચૂંટણી લડી શકે. ‘ઈમાનદારી’ AAPનું મોડલ છે અને અમે એવા રાજકારણીઓને સ્વીકારીશું નહીં જેમની સારી ઇમેજ નથી.ઇમરાને કહ્યું કે કાશ્મીરમાં સ્વિટ્ઝર્લેન્ડની જેમ વિકાસ કરવાની ક્ષમતા છે અને AAP તેને વાસ્તવિકતામાં ફેરવશે. ઈમરાનહુસૈને કહ્યું, જો જમ્મુ અને કાશ્મીરના લોકો વિચારે છે અને માને છે કે AAPએ વાસ્તવમાં દિલ્હીમાં સારો કાર્યકાળ કર્યો છે, તો તેઓ આ પાર્ટીને જમ્મુ-કાશ્મીરમાં સારી આવતીકાલ માટે પસંદ કરી શકે છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોર શોરથી પ્રચાર કરી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના 4 મહિના પહેલા જ પોતાના 10 ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને સંગઠન પર નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT