રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની યોજાવાને ચૂંટણીને હવે 3 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. એવામાં રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાની સીઝન ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટમાં આજે કોંગ્રેસની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ખુદ સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારીએ 6 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું જણાવ્યુંં હતું.
ADVERTISEMENT
‘ભાજપના 70 ટકા ધારાસભ્યો કોંગ્રેસની વિચારધારાવાળા’
આ વચ્ચે આજે ગુજરાતમાં કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના છ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. 2017માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટો આવી હતી. અમારા લોકો ત્યાં જઈ રહ્યા છે, તમે ગણતરી કરશો તો એમના ધારાસભ્યોમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારાના લોકો છે. ભાજપ ભૂલે નહીં કે સત્તાના જોર પર તે ધારાસભ્યોને બાંધીને રાખી શકે છે પરંતુ જે દિવસે રાજ્યની જનતા તેમને ઝટકો આપશો ત્યારે 70ના બદલે તેમના 30 ધારાસભ્યો અમારી પાસે આવી જશે. ત્યારે તેમને પણ હિસાબ પૂછવામાં આવશે.
‘ભાજપનું ધ્યાન લમ્પી પર નહીં કોંગ્રેસને તોડવા પર છે’
કોંગ્રેસના નેતા રામકિશન ઓઝાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપનું ધ્યાન હાલમાં લમ્પી પર નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પર છે. કોઈ ધારાસભ્ય સાથે અન્યાય થતો હશે તો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે લોકો લોભ-લાલચમાં પક્ષ પલટો કરી રહ્યા છે તેમને સમજાવવાનો કોઈ પ્રયત્ન નથી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની ચર્ચાઓ ઉઠી હતી
નોંધનીય છે કે ગત મહિને જ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસના 7 જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા ઉઠી હતી. બીજી તરફ ગઈકાલે જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા નરેશ રાવલ તથા રાજુ પરમારે વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તેઓ આગામી 17મી ઓગસ્ટના રોજ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. એવામાં હવે ચૂંટણી ટાણે જો કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાશે તો ચોક્કસથી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં આનું મોટું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT