હેતાલી શાહ/ખેડા : ડાકોરના ગોમતી તળાવમાં અમદાવાદનાં યુવકનું ડૂબી જવાના કારણે મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ગોમતી તળાવનાં આંબાવાડી પાસે નહાવા પડેલા યુવક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અમદાવાદનાં વાસણાનો 18 વર્ષીય યુવક નિખિલ પોતાના મિત્રો તથા સંબંધીઓ સાથે હોળી હોવાના કારણે ડાકોર દર્શને આવ્યો હતો.દરમિયાન તળાવમાં ન્હાવા ગયો હતો. પગ લપસી જવાના કારણે પાણીમાં ગરકાવ થયો હતો. NDRF ની ટીમ દ્વારા યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ડાકોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક પીસીઆરમાં યુવકને ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે તબીબ દ્વારા તપાસ કર્યા બાદ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.જેના પગલે પરિવાર અને સગાસંબંધીઓ પર આભ ફાટી પડ્યું હતું.
ADVERTISEMENT
ફાગણી પૂનમના પગલે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓની ભીડ
ફાગણી પૂનમને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનુ ડાકોરમાં ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. એવામાં ડાકોર પહોંચતા શ્રદ્ધાળુ ગોમતીઘાટે નાહવાનુ પણ આગ્રહ રાખતા હોય છે. એવામાં આજે અમદાવાદના વાસણા પાલડી વિસ્તારમાં રહેતા આશરે 18 વર્ષીય યુવક નિખિલ સોલંકી પોતાના મિત્રો તથા સગા સંબંધીઓ સાથે ફાગણી પૂનમને લઈને ડાકોરમાં દર્શન કરવા માટે આવ્યો હતો. દરમિયાન નિખીલ મંદિરની સામે આવેલ ગોમતી તળાવના આંબાવાડી પાસે નાહવા ગયો હતો. જોત જોતામા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને લઈને ત્યાં હાજર એન ડી આર એફ ની ટીમ તાત્કાલિક યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. ડાકોરમાં ફાગણી પુનમને લઈ વાહનો પર પ્રતિબંધ છે.
ભક્તોની ભીડ હોવાના કારણે PCR વાનમાં યુવાનને હોસ્પિટલ ખસેડાયો
આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોનુ આવેલા હોવાથી એમ્બ્યુલન્સ તુરંત આવી શકે એમ ન હોવાથી પોલીસ દ્વારા તત્કાલ PCR વાનમાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પર હાજર સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતા પરિવાર અને સગાસંબંધીઓ પર આભ ફાટી પડ્યું હતું.
ચોરી છુપીથી ન્હાવા પડ્યો અને તેનું મોત નિપજ્યું
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તાર પાસે અંધારૂ હોવાથી એનો લાભ લઈને યુવક તળાવમા ન્હાવા માટે ગયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે, જોકે, મહત્વનું છે કે, હાલમાં ડાકોરમાં ફાગણી પૂનમને લઈને હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચ્યા છે. જેને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં યુવક ઊંડા પાણીમાં કેમનો જતો રહ્યો, તે પણ એક સવાલ ઉભો થાય છે.
ADVERTISEMENT