મુંબઈ: બીજાના લગ્નમાં આમંત્રણ વગર મહેમાન બનીને જવું એક યુવકને ભારે પડ્યું છે. યજમાનોએ તેને પકડી લીધો અને તેને ઢોર માર મારીને અધમૂઓ કરી નાખ્યો. આટલું જ નહીં, તે જે સ્કૂટર લઈને લગ્નના જમણવારમાં પહોંચ્યો હતો તેને પણ કોઈએ ચોરી લીધું . હવે યુવકે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. મામલો મહારાષ્ટ્રના મુંબઈનો છે.
ADVERTISEMENT
હકીકતમાં, 13 જૂનના રોજ, ગોરેગાંવનો રહેવાસી જાવેદ કુરેશી (24) તેના 17 વર્ષના પિતરાઈ ભાઈ અને કેટલાક મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. જ્યારે તેઓ જોગેશ્વરી પહોંચ્યા, ત્યારે જાવેદના પિતરાઈ ભાઈ અને મિત્રોએ એક કોમ્યુનિટી હોલ તરફ ધ્યાન દોર્યું જ્યાં લગ્નનો જમણવાર ચાલી રહ્યો હતો.
આ પછી યુવકો કોમ્યુનિટી હોલમાં પહોંચ્યા અને જમવાનું શરૂ કરી દીધું. જોકે, ના તો તેઓ વરરાજાને ઓળખતા હતા કે ના તો કન્યાના પરિવારના કોઈ સભ્યને. આટલું જ નહીં, તેમને લગ્નનું આમંત્રણ પણ મળ્યું ન હતું. જ્યારે તે ભોજન કરી રહ્યા હતા ત્યારે યજમાન પરિવારના કેટલાક લોકો તેની પાસે આવ્યા અને તેની સાથે વાત કરવા લાગ્યા. કારણ કે તેમને શંકા ગઈ હતી.
ઓશિવરા પોલીસે શું કહ્યું?
આ મામલાને લઈને ઓશિવારા પોલીસના એક અધિકારીએ કહ્યું- ‘છોકરાઓ આમંત્રણ વગર આવ્યા હોવાની જાણ થતાં જ યજમાનો આક્રમક થઈ ગયા હતા. તેઓ યુવકો સાથે મારપીટ કરવા લાગ્યા. પરિસ્થિતિ વણસતી જોઈને યુવકો પાર્ટી હોલની બહાર દોડવા લાગ્યા. જ્યારે તેઓ રસ્તા પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ તેમનો બચાવ કર્યો.
આ દરમિયાન જાવેદે તેના સ્કૂટરની ચાવી ભીડમાં ઉભેલા એક વ્યક્તિને આપી અને પાર્કિંગમાંથી લાવવાની અપીલ કરી. પરંતુ તે વ્યક્તિ જાવેદને સ્કૂટર આપવાને બદલે લઈને રફૂચક્કર થઈ ગયો. આ ઘટના અંગે જાવેદે શનિવારે ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT