અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાંથી પકડાયેલા ગુજરાતી મહાઠગ કિરણ પટેલને લઈને એકબાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કાશ્મીરમાં પોતાને PMO અધિકારી બતાવીને પોલીસના કાફલા સાથે ફરી રહતા અને ફાઈવ સ્ટાર હોટલમાં રહેતા કિરણ પટેલ સામે ગુજરાતમાં પણ અગાઉ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આટલું જ નહીં ભાજપના પણ ઘણા નેતાઓ સાથે તેનો નિકટનો સંબંધ હોવાની તસવીરો સામે આવી છે, પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેણે વૈભવી લાઈફસ્ટાઈલની તસવીરો પણ શેર કરી છે.
ADVERTISEMENT
પૂર્વ DySP સાથે કરોડોની ઠગાઈ
કિરણ પટેલ અમદાવાદનો છે અને ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે તેનું ઘર આવેલું છે. કિરણ પટેલે વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનું કહીને 2 નિવૃત્ત DySP, PI તથા PSI સાથે પણ છેતરપિંડી આચરેલી છે. 6 વર્ષ અગાઉ તેની વિરુદ્ધ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ સાથે જ વડોદરામાં પણ તેની વિરુદ્ધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત તેની સામે 78 લાખની છેતરપિંડીનો પણ કેસ નોંધાઈ ચૂક્યો છે.
સોશિયલ મીડિયામાં વૈભવી ઠાઠની તસવીરો મૂકી
સાથે જ કિરણ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના વૈભવી ઠાઠની તસવીરો પણ જોવા મળે છે. જેમાં તે ક્યારેક મોંઘી-મોંઘી કાર સાથેની તસવીરો પોસ્ટ કરી છે. સાથે પ્રોફાઈલમાં પોતે MBA, PHD હોલ્ડર, M.Tech તથા બી.ઈ કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કરેલો છે. પોતાને તે થિંકર, સ્ટ્રેટજીસ્ટ, એનાલિસ્ટ અને કેમ્પેઈન મેનેજર બતાવે છે.
કાશ્મીરમાં પોલીસની કડક સુરક્ષા લઈને ફરતો
નોંધનીય છે કે, કાશ્મીરમાં પોતાને PMOથી મોટો અધિકારી હોવાનું બતાવી કિરણ પટેલે Z+ સિક્યોરિટી મેળવી લીધી હતી. જેમાં બુલેટપ્રૂફ SUV કાર તથા 5 સ્ટાર હોટલમાં પ્રવાસની સુવિધા માણી હતી. આટલું જ નહીં આર્મી ઓફિસરોની બેઠકોમાં પણ તેણે ભાગ લીધો હતો. જમ્મુમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી અને હથિયારબંધ સુરક્ષાકર્મીઓ સાથેના વીડિયો પણ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યા છે.
ADVERTISEMENT