પ્રયાગરાજ: પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહેમદ (Atiq Ahmed) અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના પ્રયાગરાજના મેડિકલ કોલેજની બહાર થઈ છે. 13 એપ્રિલે ઝાંકી જિલ્લાના પરીછા ડેમ વિસ્તારમાં અતીકના દીકરા અસદ અને શૂટર મોહમ્મદ ગુલામનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું હતું. તેના બે દિવસ બાદ પોલીસની હાજરીમાં જ અતીક અને તેના ભાઈનું મર્ડર કરી દેવાયું. હત્યા બાદ ત્રણેય હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ત્રણેયની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય મીડિયા પર્સન તરીકે આવ્યા હતા.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે, કોર્ટમાંથી અતીકની કસ્ટડીમાં લેતા જ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. હત્યારાઓ મીડિયા ચેનલની જેમ માઈક અને કેમેરા લઈને ત્યાં પહોંચ્યા હતા. લવલેશ, સની, અરુણ નામના હત્યારા મીડિયા કવરેજ દરમિયાન મીડિયા પર્સન તરીકે પોઝ આપીને સાથે ફરતા હતા. મીડિયાના માઈક પર બોલતા સમયે જ અતીક અને તેના ભાઈને માથામાં ગોળી મારી દીધી હતી.
કહેવાઈ રહ્યું છે કે મેડિકલ કોલેજ બહાર ત્રણેય યુવકોએ જય શ્રીરામના નારા લગાવતા અતીક અને તેના ભાઈ અશરફ પર ગોળીઓનો વરસાદ કરી દીધો. બંનેને પોલીસની ટીમ મેડિકલ ચેકઅપ કરાવીને પાછા લઈ જઈ રહી હતી.
જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે યુપીના ઝાંસીમાં યુપી STFએ અતીક અહેમદના દીકરા અસદનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ સાથે જ શૂટર ગુલામને પણ ઠાર કરી દીધો હતો. STFની ટીમ પાછલા દોઢ મહિનાથી અસદ અહેમદ અને ગુલામને ટ્રેસ કરી રહી હતી. આ એન્કાઉન્ટર યુપી STFના ડેપ્યુટી એસ.પી નવેંદુ અને ડેપ્યુટી એસ.પી વિમલની આગેવાનીમાં થઈ હતી. અસદ પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.
ADVERTISEMENT