Unified Pension Scheme Details : કેન્દ્રની NDA સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે (24 ઓગસ્ટ) સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે જે લોકો 2004 થી 31 માર્ચ 2025 સુધી નિવૃત્ત થયા છે તેમને પણ આ પેન્શન યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત તેમને વ્યાજની સાથે એરિયર્સ પણ મળશે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વિશ્વભરના દેશોમાં ઉપલબ્ધ યોજનાઓ જોયા બાદ અને ઘણા લોકો સાથે ચર્ચા કર્યા બાદ યુનિફાઇડ પેન્શન સ્કીમનું સૂચન કરવામાં આવ્યું હતું. જે બાદ કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારી કર્મચારીઓ NPS અને UPSમાં જે પણ સ્કીમ ઈચ્છે તે લઈ શકે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ બેમાંથી એક પેન્શન યોજનાનો લાભ લઈ શકશે.
વિપક્ષ OPSને લઈને રાજકારણ કરે છે : અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વિપક્ષ જૂની પેન્શન યોજનાને લઈને માત્ર રાજનીતિ કરી રહ્યું છે. કારણ કે, નવી પેન્શન યોજનામાં સુધારાની સતત માંગ કરવામાં આવી રહી હતી. આ પછી જ ડૉ.સોમનાથનની કમિટીની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. ત્યારે UPSમાં સરકારનું યોગદાન 18.5% રહેશે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે.
જાણો આ યોજના વિશેની 4 મહત્વની બાબતો?
- કર્મચારીઓ પાસેથી એશ્યોર્ડ રકમની માંગણી કરવામાં આવી રહી હતી. UPS હેઠળ, કર્મચારીઓને નિવૃત્તિ પછી 50% એશ્યોર્ડ પેન્શન આપવામાં આવશે. આ નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% હશે.
- કર્મચારીઓને આ પેન્શન 25 વર્ષની સેવા પછી જ મળશે.
- જો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે, તો આ યોજના હેઠળ ફેમિલી પેન્શનની જોગવાઈ હશે. આ અંતર્ગત પરિવારને 60 ટકા પેન્શન મળશે.
- જો કોઈ કર્મચારીની સેવા 25 વર્ષથી ઓછી છે, તો તેને દર મહિને 10000 રૂપિયા પેન્શન મળશે.
યોજના માટે કરાઈ ખાસ ચર્ચા
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે કેન્દ્ર સરકારના જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ (JCM) સાથે ઘણી બેઠકો કરી. આ પછી, વિશ્વના ઘણા દેશોમાં લાગુ કરવામાં આવતી યોજનાઓના પ્રકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય અર્થવ્યવસ્થા અને કેન્દ્ર સરકારના બજેટને સમજવા માટે આરબીઆઈ સાથે બેઠક યોજાઈ હતી. આ પછી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી. વૈષ્ણવે કહ્યું કે કર્મચારીઓની માંગ છે કે તેમને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે. અમે આ માંગ પર સંશોધન કર્યું અને આ યોજના હેઠળ 50 ટકા ખાતરીપૂર્વકનું પેન્શન લાવ્યા છીએ.
UPS કર્મચારીઓની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે: PM મોદી
યુપીએસની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની પ્રગતિ માટે સખત મહેનત કરનારા તમામ સરકારી કર્મચારીઓ પર અમને ગર્વ છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) આ કર્મચારીઓની ગરિમા અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા જઇ રહી છે. આ પગલું તેમના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ADVERTISEMENT