West Bengal: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં ટ્રેન દુર્ઘટના (Kanchenjunga Express Accident) સર્જાઈ છે. માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી. અથડામણને કારણે કંચનજંગા એક્સપ્રેસની ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ. આ દુર્ઘટનામાં અંદાજે 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
હાલ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. રેલવે મંત્રી પણ દુર્ઘટના સ્થળે પહોંચવા રવાના થયા છે.
મુસાફરોમાં સર્જાયો અફરાતફરીનો માહોલ
આ દુર્ઘટના સોમવારે સવારે 9 વાગ્યે સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માલગાડીએ અગરતલાથી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને જ્યારે ટક્કર મારી ત્યારે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેન બોગીઓ હવામાં ઘણા ફૂટ ઊંચે સુધી ઉછળી હતી. તો માલગાડીના ડબ્બાઓ પલટી મારી ગયા હતા.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
નોર્થઈસ્ટ ફ્રંટિયર રેલવેનું કહેવું છે કે તેમને ન્યૂ જલપાઈગુડીના રંગાપાનીમાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. દુર્ઘટના બાદ ભારે વરસાદની વચ્ચે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ટ્રેન દુર્ઘટના બાદ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. તો આ મામલે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. સિનિયર ડીસીએમ ચંદ્ર કલિતાએ જણાવ્યું કે દુર્ઘટના બાદ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કટિહાર રેલ્વે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર 6287801805 છે, ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર 7541806358 છે, કિશનગંજ રેલ્વે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર 817 003 4228 છે અને કટિહાર રેલ્વે વિભાગનો હેલ્પલાઈન નંબર 977 144 1956 છે.
ADVERTISEMENT