Crime News: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન (Amazon)ને 5 શખ્સોએ દોઢ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો. ઓનલાઈન છેતરપિંડી માટે ઠગોનો માસ્ટર પ્લાન જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. આ યુવકો જલ્દી ધનિક થવા માટે ઓનલાઈન શોપિંગ દ્વારા મોટી-મોટી કંપનીઓને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હતા.
ADVERTISEMENT
એમેઝોન પરથી મંગાવી હતી વસ્તુઓ
પોલીસે આરોપી પાસેથી 216 સ્માર્ટ ટીવી, 6 એસી અને 4 વોશિંગ મશીન કબજે કર્યા છે, જે તેમણે એમેઝોન પરથી મંગાવ્યા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે માસ્ટ માઈન્ડ યુવકો 17 સ્માર્ટ ફોન અને 7 કીપેડ ફોનનો ઉપયોગ કરતા હતા. પોલીસે તેમની પાસેથી 240 સિમ કાર્ડ, એક થમ્બ મશીન અને લેપટોપ પણ જપ્ત કર્યું છે. હાલ પાંચેય આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
મહોબાના રહેવાસી છે આરોપીઓ
તમને જણાવી દઈએ કે, ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે છેતરપિંડી આચરનારા તમામ યુવકો મહોબા રહેવાસી છે. ઝડપથી અમીર બનવા માટે યુવકોએ ઓનલાઈન શોપિંગનો આશરો લીધો. આરોપીઓ એટલા ચાલાક નીકળ્યા કે કંપની પણ આ તમામ ફ્રોડ કેવી રીતે આચરતા હતા, તે ન શોધી શકી.
ઓનલાઈન શોપિંગના નામે છેતરપિંડી
કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો હોંશિયાર હોય પણ આખરે તે પકડાઈ જાય છે. લગભગ 1.5 કરોડની ઓનલાઈન છેતરપિંડી કરનાર મહોબાના ઉમાશંકર, અજય પાલ, લવકેશ, આકાશ અને રવિન્દ્રના ઘર અને ગોડાઉન જ્યારે સ્માર્ટ ટીવી અને ઈલેક્ટ્રોનિક સામાનથી ભરાઈ ગયા ત્યારે તેમણે તેને વેચવાની યોજના બનાવી અને પોલીસના હાથે ઝડપાઈ ગયા.
ભેજુ વાપરી આચરી છેતરપિંડી
પકડાયેલા પાંચેય યુવકોની ઉંમર 19થી 30 વર્ષની વચ્ચે છે. ભણવાની ઉંમરે તેમણે પોતાના ચાલાક મગજથી એક જાણીતી કંપની સાથે છેતરપિંડી આચરી. પોલીસે જણાવ્યું કે, આ લોકો ઈ-કોમર્સ વેબસાઈટ પર જઈને નકલી નામો અને સરનામાઓથી ઓનલાઈન એકાઉન્ટ બનાવતા હતા અને પછી આ એકાઉન્ટ્સનો ઉપયોગ ડિજિટલ સ્માર્ટ ટીવી, એસી, વોશિંગ મશીન જેવી વિવિધ પ્રકારની મોંઘી વસ્તુઓ ખરીદવા માટે કરતા હતા.
ડમી સિમકાર્ડથી થતો હતો ખેલ
જ્યારે ઈલેક્ટ્રોનિક સામાનનો ઓર્ડર મળતો ત્યારે તેઓ તેમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવી ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. ઓર્ડર કેન્સલ થયા બાદ રિટર્ન માટે ડમી સામાન પેક કરીને તે કંપનીને પરત મોકલી દેતા હતા. ઘણી વખત સામાન રિટર્ન કર્યા બાદ સિમકાર્ડને જ બંધ કરી દેતા હતા અને ક્રેડિટ પૈસા તેમના ખાતામાં પરત આવી જતા હતાં. આ રીતે છેતરપિંડી કરવા માટે ઉપયોગમાં લેવાતા ઈ-મેલ આઈડી અને સિમનો ઉપયોગ કરવાનું બંધ કરી દેતા હતા.
પોલીસે સામાન કબજે કર્યો
આ મામલે સીઓ સિટી દીપક દુબેએ જણાવ્યું હતું કે બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે આરોપીઓ મોટી સંખ્યામાં ઓનલાઈન મંગાવેલા સામાનને બહાર વેચવાનો પ્લાન બનાવી રહ્યા છે. ત્યારે પોલીસે તેઓને પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 216 સ્માર્ટ ટીવી, 6 એસી, 4 વોશિંગ મશીન, 17 સ્માર્ટ મોબાઈલ કબજે કર્યા છે. સાથે જ એક લેપટોપ, ઘણા કીપેડ ફોન, એક થમ્બ મશીન અને 240 સિમ કાર્ડ પણ મળી આવ્યા છે.
ADVERTISEMENT