Rajasthan Politics News: રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના લગભગ 25 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સોમવારે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે મુલાકાત કરી. આ ધારાસભ્યોએ વસુંધારા રાજે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રાજ્યમાં પાર્ટીને બહુમતી મળ્યા બાદ ભાજપ હાઈકમાન્ડે હાલમાં નવા મુખ્યમંત્રીની પસંદગી માટે તજવીજ હાથ ધરી છે. આવા સમયે ધારાસભ્યોની વસુંધરા રાજે સાથેની આ મુલાકાતને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી લગભગ 25 ધારાસભ્યો સોમવાર સાંજ સુધી અલગ-અલગ સમયે વસુંધરા રાજે સાથે તેમના નિવાસ્થાને મળ્યા હતા. ઘણા લોકોએ આને શુભેચ્છા મુલાકાત ગણાવી તો કેટલાકે એ પણ સંકેત આપ્યો કે વસુંધરા રાજેને રાજ્યનું નેતૃત્વ કરવું જોઈએ.
ADVERTISEMENT
રાજેને ધારાસભ્યોનું સમર્થન
નસીરાબાદના ભાજપના ધારાસભ્ય રામસ્વરૂપ લાંબાએ વસુંધરા રાજે સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે,’વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વસુંધરા રાજેના કામના કારણે જ રાજસ્થાનમાં ભાજપની વાપસી થઈ છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું પાર્ટીના ધારાસભ્યો મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજેનું સમર્થન કરે છે, તો તેમણે કહ્યું કે, વસુંધરા રાજેને ભાજપના તમામ ધારાશભ્યોનું સમર્થન છે. સોમવારે ધારાસભ્યો સાથે મુલાકાત બાદ વસુંધરા રાજેના સમર્થકોએ દાવો કર્યો હતો કે, વસુંધરા રાજે સાથે લગભગ 47 ધારાસભ્યોએ મુલાકાત કરી છે. તો આજે પણ ઘણા ધારાસભ્યો વસુંધરા રાજેને મળવા માટે આવી શકે છે.
કયા-કયા ધારાસભ્યઓએ કરી મુલાકાત?
ધારાસભ્યો જયપુરમાં વસુંધરા રાજેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોડી સાંજ સુધીમાં લગભગ બે ડઝન ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેમાં કાલીચરણ સરાફ, બાબુ સિંહ રાઠોડ, પ્રેમચંદ બૈરવા, ગોવિંદ રાનીપુરિયા, કાલુલાલ મીણા, કેકે વિશ્નોઈ, પ્રતાપ સિંહ સિંઘવી, ગોપીચંદ મીના, બહાદુર સિંહ કોલી, શંકર સિંહ રાવત, મંજુ બાઘમાર, વિજય સિંહ ચૌધરી, પુષ્પેન્દ્ર સિંહ અને શત્રુઘન ગૌતમ વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીની રેસમાં આ નેતાઓના નામ ચર્ચામાં
રાજ્યના મુખ્યમંત્રીના નામને લઈને જે નામોની અટકળો ચાલી રહી છે તેમાં ઝાલરાપાટન બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતેલા વસુંધરા રાજે, કેન્દ્રીયમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન મેઘવાલ, બાબા બાલકનાથ અને દિયા કુમારી સામેલ છે. જોકે, આ માત્ર અટકળો છે, પાર્ટીએ આ અંગે કોઈ સંકેત આપ્યા નથી. રાજ્યની કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થયું હતું અને રવિવારે મત ગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં ભાજપને 115 બેઠકો સાથે બહુમતી મળી હતી જ્યારે કોંગ્રેસ 69 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
વસુંધરા રાજેને સાઈડલાઈન કરવામાં આવ્યા?
પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજે 2003થી 2008 અને 2013થી 2018 સુધી બે વાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2018માં બીજેપીની હાર અને પાર્ટીની અંદર બદલાયેલી પરિસ્થિતિ બાદ એવું માનવામાં આવતું હતું કે વસુંધરા રાજેને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. અગાઉની ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રીનો ચહેરો હતો પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ‘મુખ્યમંત્રીના ચહેરા’ની જાહેરાત કરી ન હતી અને પાર્ટીએ ચૂંટણી ચિન્હ ‘કમળ’ને આગળ રાખીને ચૂંટણી લડી હતી. હવે ભાજપ પાસે 115 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી છે અને વસુંધરા રાજેના સમર્થકોને આશા છે કે પાર્ટી તેમને ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાની તક આપશે.
ADVERTISEMENT