Uttarkashi Tunnel Operation: ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન બાદ 40 જેટલા શ્રમિકો ફસાયા છે. આજે સતત ત્રીજા દિવસે પણ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે ટનલની અંદર જમાં થયેલો કાટમાળ મોટો અવરોધ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવકર્મીઓએ નવો પ્લાન બનાવ્યો છે.
ADVERTISEMENT
પાઈપથી કઢાશે બહાર
હવે અધિકારીઓએ ઓગર ડ્રિલિંગ મશીન મંગાવ્યું છે, જે કાટમાળમાં 900 MM સ્ટીલ પાઇપ ઇન્સ્ટોલ કરશે. આ પાઈપ દ્વારા શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આમાં પણ 24 કલાકથી વધુ સમય લાગી શકે છે.
રવિવારે સર્જાઈ હતી દુર્ઘટના
બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ રવિવારે લેન્ડ સ્લાઈડને કારણે ધરાશાયી થયો હતો. જેના કારણે આ ટનલમાં કામ કરી રહેલા 40 શ્રમિકો તેમાં ફસાયા છે. ઉત્તરાખંડના સર્કલ ઓફિસર પ્રશાંત કુમારે કહ્યું છે કે, સુરંગની અંદર 40 લોકો ફસાયેલા છે. આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને પાઈપ લાઈનો દ્વારા ઓક્સિજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમને બહાર કાઢવા માટે યુદ્ધસ્તરે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
નિષ્ણાંતો અને એન્જિનિયરો પણ ઘટના સ્થળે
અધિકારીઓએ જણાવ્યું કે, 900 મીમી પહોળી પાઇપ અને ઓગર મશીન વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યું છે. ટનલની અંદર ડ્રિલિંગ કરીને પાઈપ અંદર નાખવામાં આવશે. નિષ્ણાતો અને એન્જિનિયરો પણ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગયા છે.
ADVERTISEMENT