Uttarkashi tunnel collapse: ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. ટનલમાં 40 શ્રમિકો ફસાયા છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા ટનલમાં પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે-સાથે ખાવા-પીવાની વસ્તુઓ પણ પાઈપ લાઈન દ્વારા જ મોકલવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બચાવ ટીમ સતત શ્રમિક સાથે વાત કરી રહી છે. આ ઉપરાંત ભારે મશીનરી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
40 શ્રમિકો ટનલમાં ફસાયેલા
બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ રવિવારે લેન્ડ સ્લાઈડને કારણે તૂટી ગયો હતો. જેના કારણે આ ટનલમાં કામ કરી રહેલા 40 શ્રમિકો તેમાં ફસાયા છે. ઉત્તરાખંડના સર્કલ ઓફિસર પ્રશાંત કુમારે કહ્યું છે કે, સુરંગની અંદર 40 લોકો ફસાયેલા છે અને તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને પાઈપ લાઈનો દ્વારા ઓક્સિજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ટનલની અંદર જવા માટે બાજુથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.
ચાલી રહી છે બચાવ કામગીરી
40 લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં NDRF, SDRF અને પોલીસકર્મીઓ લાગેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફસાયેલા શ્રમિકોને પાઈપ દ્વારા ખાવા માટે ચણા પહોંચાડવામાં આવ્યા છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોમાંથી 4 બિહારના, 2 ઉત્તરાખંડના, 3 પશ્ચિમ બંગાળના અને 5 ઓડિશાના છે.
સૌથી વધુ શ્રમિકો ઝારખંડના
ટનલમાં ફસાયેલા મજૂરોમાં સૌથી વધુ 15 શ્રમિકો ઝારખંડના છે. યુપીના 8 શ્રમિકો પણ અંદર ફસાયા છે. આ સિવાય આસામના બે અને હિમાચલના એક મજૂર પણ અંદર છે.
ADVERTISEMENT