US strikes Iran in Syria: યુનાઈટેડ સ્ટેટ અમેરિકાએ બે અઠવાડિયાની અંદર બીજી વખત સીરિયા પર એરસ્ટ્રાઈક કરી છે. બુધવારે પૂર્વ સીરિયામાં ઈરાન સમર્થિત જૂથોના એક હથિયારના ગોડાઉન પર અમેરિકાના F -15 લડાકુ વિમાનોએ બોમ્બમારો કર્યો હતો, જેમાં નવ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે સીરિયાના આ હથિયાર ગોડાઉનનો ઉપયોગ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હતો.
ADVERTISEMENT
F-15 ફાઈટર પ્લેન દ્વારા કરાયો હુમલો
જ્યારથી ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, ત્યારેથી ઈરાન સમર્થિત જૂથોએ ઈરાક અને સીરિયામાં અમેરિકી અને ગઠબંધન સૈનિકો પર 40 વખત હુમલો કર્યો છે, જેમાં 45 અમેરિકી સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક નિવેદનમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને જણાવ્યું કે સીરિયામાં ઈરાની ઠેકાણા પર હુમલો બે અમેરિકી F-15 ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવ્યો છે.
….તો અમે જરાય અચકાઈશું નહીંઃ લોયડ આસ્ટિન
અમેરિકાનો આરોપ છે કે, આ જ ગોડાઉનોમાંથી ઈરાન મિડલ-ઈસ્ટમાં આતંકવાદી જૂથોને હથિયાર સપ્લાય કરી રહ્યું છે. રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું કે, અમેરિકી સૈનિકો સામેના હુમલા બંધ થવા જોઈએ. “જો અમેરિકી સેનાની સામે ઈરાનના પ્રતિનિધિઓ દ્વારા હુમલા ચાલુ રહેશે, તો અમે અમારા લોકોની સુરક્ષા માટે વધુ જરૂરી પગલાં લેવામાં અચકાઈશું નહીં,”
ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા હથિયારો
અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ CNNને જણાવ્યું કે, સીરિયાના મેસ્લુનમાં આવેલા આ હથિયારોના ગોડાઉનમાં આ ક્ષેત્રમાં અમારા સેનાઓ વિરુદ્ધ થયેલા અનેક હવાઈ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો રાખવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, બુધવારના હુમલાનો હેતું ઈરાનને સ્પષ્ટ મેસેજ આપવાનો હતો કે અમે અમેરિકી સૈનિકો પર થયેલા હુમલા માટે તેને જવાબદાર માનીએ છીએ અને અમેરિકા એવી અપેક્ષા રાખે છે કે ઈરાન તેના પ્રતિનિધિઓને રોકવા માટે કડક નિર્દેશ આપશે.
ADVERTISEMENT