ઉત્તર પ્રદેશ: કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. ઉત્તર પ્રદેશના મૈનપુરીના રહેવાસી દિવ્યાંગ સૂરજ તિવારીએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું છે. સૂરજે ટ્રેન અકસ્માતમાં તેના બંને પગ અને એક હાથ ગુમાવ્યો હતો. આમ છતાં તે હિંમત ન હાર્યો અને UPSC પરીક્ષામાં 917મો રેન્ક મેળવ્યો. સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ પણ તેમની સફળતા પર ખુશ છે.
ADVERTISEMENT
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, ‘મૈનપુરીના દિવ્યાંગ સૂરજ તિવારીએ પ્રથમ પ્રયાસમાં IAS પરીક્ષા પાસ કરીને સાબિત કર્યું કે સંકલ્પની શક્તિ અન્ય તમામ શક્તિઓ કરતાં વધારે છે. સૂરજની ‘સૂરજ’ જેવી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
પહેલા જ પ્રયાસમાં UPSCમાં પાસ
મૈનપુરીના દિવ્યાંગ સૂરજ તિવારીએ પહેલા જ પ્રયાસમાં IASની પરીક્ષા પાસ કરી અને સાબિત કરી દીધું કે દ્રઢ નિશ્ચયની શક્તિ અન્ય તમામ શક્તિઓ કરતા વધારે છે. સૂરજે લોકો સમક્ષ એક દાખલો બેસાડ્યો છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય… પરંતુ જે લોકો પ્રયત્ન કરે છે તે ક્યારેય હારતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સૂરજને બંને પગ અને એક હાથ નથી અને બીજા હાથમાં માત્ર ત્રણ આંગળીઓ છે, પરંતુ તેની મહેનત અને લગનથી આજે સૂરજ આ સ્થાન હાંસલ કરી શક્યો છે.
કોચિંગ વગર રોજના 18થી 20 કલાક વાંચતો હતો
UPSC પરીક્ષામાં સફળતા મેળવવા માટે સૂરજ 18 થી 20 કલાક અભ્યાસ કરતો હતો. સૂરજે કોઈપણ કોચિંગ અને એક્સ્ટ્રા ક્લાસ વગર આ સફળતા મેળવી છે. સૂરજ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા રાજેશ તિવારી દરજી કામ કરે છે અને તેમની એક નાનકડી સિલાઈની દુકાન છે, જેનાથી પરિવારનો ખર્ચો ચાલે છે.
સૂરજે 2017માં ટ્રેન અકસ્માતમાં તેના બંને પગ અને એક હાથ ગુમાવ્યો હતો. 4 મહિના સુધી સૂરજની સારવાર ચાલી. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી અને થોડા સમય પછી સૂરજના એક ભાઈનું પણ અવસાન થયું. આ ઘટનાથી આખો પરિવાર દુઃખી થયો હતો. પરંતુ સૂરજે હિંમત હારી ન હતી અને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપીને આ સફળતા મેળવી હતી. સૂરજના ઘરે આવે શુભકામનાઓ પાઠવવા માટે લોકો આવી રહ્યા છે. ગુજરાત Tak તરફથી પણ સૂરજને ઘણી બધી શુભકામનાઓ.
ADVERTISEMENT