UP Police Encounter: દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં B.Tech સ્ટુડન્ટ કીર્તિ સિંહનો મોબાઈલ ફોન લૂંટનારા બીજા આરોપીને UP પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં જિતેન્દ્ર ઉર્ફે જીતુનું મોત થયું હતું.
ADVERTISEMENT
મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગનહર ટ્રેક પર થયેલા એન્કાઉન્ટરમાં તે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.
તમને જણાવી દઈએ કે 27 ઓક્ટોબરે જ્યારે બીટેકની એક વિદ્યાર્થિની ઓટોમાં જઈ રહી હતી ત્યારે આરોપીઓએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થિની ઓટોમાંથી પડી ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હવે B.Techની વિદ્યાર્થિનીને લૂંટનાર બીજો ગુનેગાર એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સામે 9 કેસ નોંધાયા હતા.
શું છે સમગ્ર મામલો?
રિપોર્ટ અનુસાર, 27 ઓક્ટોબરે જ્યારે બાઇક પર સવાર બદમાશોએ ઓટોમાં બેઠેલી B.Tech સ્ટુડન્ટ કીર્તિ સિંહ પાસેથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેનો વિરોધ કર્યો. આ પછી, બદમાશોએ તેનો હાથ ખેંચીને તેને ઓટોમાંથી ફેંકી દીધી, ત્યારબાદ કીર્તિ 15 મીટર સુધી રસ્તા પર ખેંચાતી રહી.
ઘાયલ થયા બાદ કીર્તિને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના શરીરમાં બે ફ્રેક્ચર હતા જ્યારે તેના માથામાં પણ ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થિનીને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ કેસમાં મસૂરી પોલીસ સ્ટેશને કેસ નોંધીને એક ગુનેગારની ધરપકડ કરી હતી જ્યારે બીજો ફરાર હતો. આ ફરાર જીતુ હવે પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
ADVERTISEMENT