ઈન્દોર: મધ્ય પ્રદેશના સિધી, શિવપુરી બાદ હવે ઈન્દોરમાં આદિવાસી સમુદાયના બે યુવકો પર નિર્દયતાથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. બાઈક પડી જવાના વિવાદમાં બે મજૂરોને માર મારવામાં આવ્યો હતો. પીડિતો પૈકી એક સગીર છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ઘટના શુક્રવાર રાત્રે રાઉ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ધાર જિલ્લાના માંડલ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ ઈન્દોરમાં ટ્રેઝર ફેન્ટસીમાં મજૂરી કરે છે. શુક્રવારે સાંજે બંને બાઇક પર મજૂરી કરીને પરત જઇ રહ્યા હતા. દરમિયાન, જોરદાર વરસાદ શરૂ થયો, જેના કારણે તેની બાઇક ટ્રેઝર ફેન્ટસી પાસે પડી ગઈ.
આ બાબતે બંને ભાઈઓને સુમિત ચૌધરી, જયપાલસિંહ બઘેલ અને પ્રેમસિંહ પરમાર સાથે તકરાર થઈ હતી. આ પછી આ ત્રણેય મળીને બંને ભાઈઓને બંધક બનાવી નજીકના ગાર્ડ રૂમમાં લઈ ગયા હતા. અહીં ત્રણેય મળીને બંનેને બેરહેમીથી માર માર્યો હતો. બંને ભાઈઓને લગભગ 8 કલાક સુધી બંધક બનાવીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ત્રણેય આરોપીઓની ધરપકડ
આ મામલાની માહિતી આપતા ડીસીપી આદિત્ય મિશ્રાએ કહ્યું કે મામલો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સૌથી પહેલા બંને પીડિતોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પછી મુખ્ય આરોપી સુમિત ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેના બંને સાથી જયપાલ અને પ્રેમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.
સીધી જિલ્લામાં શું થયું?
મધ્યપ્રદેશના સીધીમાં એક યુવક દ્વારા આદિવાસી પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આરોપી પ્રવેશ શુક્લા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર NSA લાદવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલામાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં.
શિવપુરી જિલ્લામાં એઠું ખવડાવવામાં આવ્યું
શિવપુરી જિલ્લાના બરખાડી ગામમાં, 30 જૂનની બપોરે, બે દલિત યુવકોને ગ્રામજનોએ છોકરીઓની છેડતીના આરોપમાં પકડ્યા હતા. પછી તેઓને માર મારવામાં આવ્યો, તેમના મોઢા કાળા કર્યા અને એઠું ખવડાવ્યું. છતાં મનને સંતોષ ન થતા બંનેને ચંપલનો હાર પહેરાવીને પરેડ કાઢવામાં આવી હતી. દલિત યુવાનોને હેરાન કરવાના ગુનામાં સાત લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે આરોપીઓના ગેરકાયદેસર અતિક્રમણને પણ વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીઓએ વન વિભાગની કિંમતી 20 વીઘા જમીનમાં અતિક્રમણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT