નવી દિલ્હી : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાજૌરી જિલ્લામાં તહેનાતીમાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જ રાજોરીમાં થયેલા ઘટનાક્રમ બાદ સરકાર એક્શનમાં આવી છે. આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારાની 18 કંપનીઓ (1800 સૈનિકો) જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવશે. સુત્રો અનુસાર પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત કુલ છ નાગરિકોનાં મોત બાદ સ્થિતિ તંગ છે.
ADVERTISEMENT
IED બ્લાસ્ટમાં બે પિતરાઇના મોત નિપજ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે IED બ્લાસ્ટમાં બે પિતરાઈ ભાઈઓનાં મોત નિપજ્યાં હતા. રવિવારે સાંજે રાજૌરી જિલ્લાના વિસ્તારમાં આતંકવાદીઓએ ત્રણ મકાનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર નાગરિકોના મોત નિપજ્યાં હતા ઉપરાંત છ ઘાયલ થયા હતા. મંગળવારે દરેકને તેમના વતન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.
હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
આ હુમલાઓમાં ચાર વર્ષીય વિહાન શર્મા, 16 વર્ષીય સમીક્ષા શર્મા, સતીશ કુમાર (45), દીપક કુમાર (23), પ્રિતમ લાલ (57) અને શિશુ પાલ (32) નામના નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામના અંતિમ સંસ્કાર કરાયા હતા. રાજૌરી શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હત્યામાં સામેલ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઇનામ
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. હુમલાના વિરોધમાં મંગળવારે કિશ્તવાડ જિલ્લામાં સજ્જડ બંધ પળાયો હતો. હાલ અહીં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT