બેંગલુરુમાં આગામી 28 નવેમ્બરે મહાઠગ સુકેશ ચંદ્રશેખરની જપ્ત કરવામાં આવેલી લક્ઝરી કારોની હરાજી કરવામાં આવશે. આ હરાજી દ્વારા મળેલી રકમમાંથી તપાસ અજન્સીઓ વિવિધ સંસ્થાઓના લેણા ચૂકવશે. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, સુકેશ પર કુલ બાકી રકમ 300 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે, જે તેણે વિવિધ સંસ્થાઓ પાસેથી લોન તરીકે લીધી હતી અને ક્યારેય પરત કરી નથી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરની નાણાકીય લેવડદેવડની તપાસ કરનાર આવકવેરા વિભાગના અધિકારીઓને આ વાહનોને 2018માં તમિલનાડુ અને કેરળ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કર્યા હતા.
ADVERTISEMENT
લક્ઝરી વાહનોની કરાશે હરાજી
બેંગલુરુમાં સુકેશના જે વાહનોની હરાજી કરવામાં આવશે, તેમાં 12 ફોર વ્હીલર સામેલ છે. તેમાં રોલ્સ રોયસ, BMW, પોર્શે, જેગુઆર જેવી હાઈ એન્ડ કારનો સમાવેશ થાય છે. આ વાહનો સારી સ્થિતિમાં છે. તેમાં BMW M-5, રેન્જ રોવર, જેગુઆર એક્સકેઆર કુપ, ઈનોવા ક્રિસ્ટા, નિસાન ટીના, પોર્શે, ટોયોટા ફોર્ચ્યુનર, બેંટલે, રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની અને ટોયોટા પ્રેડ જેવી કાર સામેલ છે. આ સિવાય સુકેશની ‘ડુકાટી ડાયવેલ’ બાઈકની પણ હરાજી કરવામાં આવશે. હરાજી માટે આ વાહનોની પ્રારંભિક કિંમત 2 લાખથી 2 કરોડ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.
સુકેશ પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ
સુકેશ ચંદ્રશેખર પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટરોની પત્નીઓ સાથે રૂ.200 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેણે કંપનીના પ્રમોટરોને જામીન અપાવવાનું વચન આપીને આ છેતરપિંડી આચરી હતી. પોતે કાયદા મંત્રાલયનો અધિકારી હોવાનું જણાવીને સુકેશે મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હતી. તે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો પણ સામનો કરી રહ્યો છે. હાલ તે દિલ્હીની એક જેલમાં બંધ છે. આ 35 વર્ષનો મહાઠગ બેંગલુરુનો રહેવાસી છે. તેણે અભિનેત્રી લીના મારિયા પોલ સાથે લગ્ન કર્યા છે.
કોર્ટે આપી દીધી છે મંજૂરી
આ વર્ષે 14 ફેબ્રુઆરીએ દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સુકેશ ચંદ્રશેખરના 26 વાહનોની હરાજી કરવાની મંજૂરી આપી હતી. દસ્તાવેજો અનુસાર, આ વાહનોની માલિક સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ કોર્ટને કહ્યું હતું કે EDએ તપાસ માટે કેસ સાથે સંબંધિત વાહનોનો કબજો લઈ લીધો છે. EOWએ ED સાથે હરાજીમાં ભાગ લેવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.
ADVERTISEMENT