જયપુર: કરણી સેનાના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજના સુપ્રીમો લોકેન્દ્ર સિંહ કાલવીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકેન્દ્ર સિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા. ગઈકાલે મોડી રાત્રે હાર્ટ એટેક આવતા તેનું 80 વર્ષની વયે નિધન થયુ હતું. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધનથી રાજપૂત સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું.
ADVERTISEMENT
રાજપૂત સમાજના મુખ્ય અગ્રણી લોકેન્દ્રસિંહ કાલવીની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે લાંબી બીમારી બાદ તેનું કાલે રાત્રે નિધન થયું હતું. ત્યારે મૃત્યુના સમાચાર સાંભળતા જ કરણી સેનાના કાર્યકરો મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. તેમના મૃતદેહને નાગૌર જિલ્લાના તેમના વતન ગામ કાલવી લઈ ગયા. આજે બપોરે 2.15 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ઘણા લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.
વર્ષ 2006માં નાખ્યો હતો કરણી સેનાનો પાયો
નોંધનીય છે કે લોકેન્દ્ર સિંહ કાલવીએ 2006માં જગતજનની કરણી માતાના નામે કરણી સેનાનો પાયો નાખ્યો હતો અને વર્ષ 2008માં કરણી સેનાના વિરોધને કારણે જોધા-અકબર ફિલ્મ રાજસ્થાનમાં રિલીઝ થઈ શકી ન હતી. આ સિવાય કરણી સેનાએ 2009માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’નો પણ વિરોધ કર્યો હતો. વર્ષ 2018માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’નો પણ જોરદાર વિરોધ કર્યો હતો.
રાજકારણ સાથે રહ્યો હતો સબંધ
લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને તેઓ ચંદ્રશેખરના વિશ્વાસુ સાથી પણ હતા. લોકેન્દ્ર સિંહ કાલવી નાગૌરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. વર્ષ 1998માં કાલવીએ ભાજપના ઉમેદવાર તરીકે બાડમેરથી સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરાજય થયો હતો. વર્ષ 2003માં કાલવીએ કેટલાક રાજપૂત નેતાઓ સાથે મળીને સામાજિક ન્યાય મંચની રચના કરી અને ઉચ્ચ જાતિઓ માટે અનામત માટે અભિયાન શરૂ કર્યું હતું.
ADVERTISEMENT