FTX founder Sam Bankman: અમેરિકામાં ક્રિપ્ટો કરન્સીમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કૌભાંડ અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંથી એક છે. જેમાં ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ FTXના સ્થાપક અને ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતા સેમ બેંકમેન ફ્રાઈડે રોકાણકારોને 10 અબજ ડોલરનો ચૂનો લગાવ્યો છે. મની લેન્ડરિંગ કેસમાં સેમ બેંકમેનને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં બેંકમેનના ત્રણ પૂર્વ સહયોગી અને મિત્રને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટમાં બેંકમેનની એક્સ ગર્લફ્રેન્ડ કેરોલિન એલિસને બેંકમેનની વિરુદ્ધ જુબાની આપી જેથી તેની પોતાની સજા ઘટી જાય.હવે ટૂંક સમયમાં જ કોર્ટ બેંકમેનને સજા સંભળાવશે. મહત્વનું છે કે, FTX એક સમયે વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ કંપની હતી.
ADVERTISEMENT
10 અબજ ડોલરની કરી છેતરપિંડી
ન્યૂયોર્કની જ્યુરીએ બેંકમેનને રોકાણકારો અને ગ્રાહકો સાથે 10 અબજ ડોલરની છેતરપિંડી કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. બેંકમેન ફ્રાઈડે દાવો કર્યો કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી. જોકે, જ્યુરીએ આ દાવાને ફગાવી દીધો. તમને જણાવી દઈએ કે, FTX કંપની એક વર્ષ પહેલા દેવામાં ડૂબી ગઈ છે. બિઝનેસમેન બેંકમેનની ગયા વર્ષે છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી લગભગ એક મહિના સુધી ચાલી હતી.
કોણ છે સેમ બેંકમેન?
સેમ બેંકમેનની વાત કરીએ તો એક સમયે ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા નામોમાં સેમ બેંકમેનનું નામ પણ લેવામાં આવતું હતું. સેમ બેંકમેને FTX નામે ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જની સ્થાપના કરી હતી. જેમાં તેણે રોકાણકારોને રોકાણ કરીને કરોડોપતિ બની જવાના સપના દેખાડ્યા હતા અને ક્રિપ્ટો અંગે એક હાઈપ ઉભો કર્યો હતો, પરંતુ હવે આ કંપની દેવામાં ડૂબી ગઈ છે અને કોઈ રોકાણકારને તેની મૂડી પાછી મળે તેમ નથી.એટલું જ નહીં ન્યૂયોર્કની એક જ્યુરીએ મની લોન્ડરિંગ કેસમાં તેને દોષિત ઠેરવ્યો છે.
બેંકમેન સામે શું આરોપ છે?
કેસ મુજબ, બેંકમેને રોકાણકારો અને ગ્રાહકો સાથે ખોટું બોલીને FTXમાંથી અબજો ડોલરની ચોરી કરી હતી અને આ નાણાંનો ઉપયોગ તેની ખોટમાં ચાલી રહેલી કંપનીને ચલાવવા માટે કર્યો હતો. બેંકમેને તેની ટ્રેડિંગ ફર્મ અલમેડા રિસર્ચ દ્વારા FTX ગ્રાહકો પાસેથી નાણાં મેળવ્યા અને આ પૈસાથી તેણે પોતાના નામે પ્રોપર્ટી ખરીદી. સાથે જ પોલિટિકલ પાર્ટીને ફંડ પણ આપ્યું. જેથી તેને રાજકીય લાભ મળે. તમને જણાવી દઈએ કે, FTX ગયા વર્ષે નાદાર થઈ ગઈ હતી.
ADVERTISEMENT