અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં અત્યારથી જ તમામ રાજકીય પક્ષો લાગી ચુક્યાં છે. આ વખતે આપની એન્ટ્રીના કારણે નિષ્ક્રિય થઇ ચુકેલા કોંગ્રેસમાં પણ ધીમો ધીમો સળવળાટ જોવા મળી રહ્યો છે. આપના કારણે ભાજપ પણ પ્રમાણમાં વધારે સક્રિય થઇ ચુક્યું છે. તો બીજી તરફ આપને ભાજપની જ બી પાર્ટી ગણાવનાર કોંગ્રેસ પોતાનાં OBC-SC-ST અને માઇનોરિટી વોટર્સ ગુમાવવા ન પડે તે માટે ફરી એકવાર સક્રિય થઇ ચુકી છે. આગેવાનો સાથે પણ બેઠકો કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રઘુ શર્મા અને જગદીશ ઠાકોર પરંપરાગત મત મુદ્દે સક્રિય
પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં આજે ફરી એકવાર કોંગ્રેસના આગેવાનો બેઠક કરવા જઇ રહ્યા છે. રાજ્યની સ્થિતિ અને સમુદાયો વચ્ચે અન્ય પાર્ટીઓ આવી જવાના ભય અને ફફડાટના કારણે અત્યારથી જ તમામ પક્ષો સક્રિય થઇ ચુક્યાં છે. ખાસ કરીને AIMIM આવી જવાનાં કારણે કોંગ્રેસને મુસ્લિમ મતોનાં તુષ્ટિકરનો ડર છે તો બીજી તરફ આપ આવી જવાના કારણે પોતાનાં બચેલા કુચેલા ઓબીસી અને એસસી વોટ પણ કપાવાનો ડર લાગી રહ્યો છે. આ ઉપરાંત વિવિધ આદિવાસી સંગઠનો પણ કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે.
મોટા નેતા અને યુવા ચહેરાઓના નામે કોંગ્રેસના ખિસ્સા ખાલી
2 ઓગસ્ટે કોંગ્રેસની બેઠકમાં તમામ સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ડેમેજ કંટ્રોલ કરવા માટે આ સમાજનાં યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીને પણ આ અંગેની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો ગુજરાત કોંગ્રેસ સામે નિષ્ક્રિય થઇ ચુકેલા છતા પણ ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે. આ ઉપરાંત કોઇ લોકપ્રિય ચહેરો નહી હોવો પણ મોટો પડકાર છે. અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસને આટલું મહત્વનું પદ સોંપવું પડે તે ઘણુ જ સુચક છે કે હાલ કોંગ્રેસમાં નેતા અને ખાસ કરીને ચહેરાઓની કમી છે.
ADVERTISEMENT