હાથના કર્યા હૈયે વાગ્યા! પાકિસ્તાનમાં વાયુસેનાના કેમ્પમાં આતંકી હુમલો, 9 ફિદાઈનના મોત

Terror Attack in Pakistan: પાકિસ્તાનના મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર શનિવારે વહેલી સવારે અંધારામાં સર્વત્ર નીરવ શાંતિ વચ્ચે આતંકવાદી હુમલો થયો હતો. જ્યારે વહેલી સવારે એરબેઝની…

gujarattak
follow google news

Terror Attack in Pakistan: પાકિસ્તાનના મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર શનિવારે વહેલી સવારે અંધારામાં સર્વત્ર નીરવ શાંતિ વચ્ચે આતંકવાદી હુમલો થયો હતો. જ્યારે વહેલી સવારે એરબેઝની આસપાસ રહેતા લોકોએ ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સાંભળ્યા તો તેઓ ઘરની બહાર આવી ગયા. એરબેઝ પર આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. થોડી જ વારમાં આખો વિસ્તાર ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યો અને એરબેઝની અંદરથી આગની જ્વાળાઓ અને ધુમાડો દેખાતો હતો.

પાકિસ્તાની સેનાએ પણ તુરંત જ ચાર્જ સંભાળી લીધો અને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. આ પછી, સતત ઓપરેશનમાં તમામ 9 આતંકવાદીઓ માર્યા ગયા.

આતંકવાદીઓએ એરબેઝની સંપૂર્ણ તપાસ કરી હતી અને તેઓ જાણતા હતા કે અંદર કેવી રીતે પ્રવેશ કરવો અને હુમલો કેવી રીતે કરવો. સૌથી પહેલા તેમણે હુમલો કરવા માટે સવારનો સમય પસંદ કર્યો અને એરબેઝની દિવાલ પર ચઢીને અંદર પ્રવેશ કર્યો. આ માટે તેમણે બાઉન્ડ્રી વોલની એક તરફ સીડી મૂકી અને પછી તારની વાડ કાપી અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતાની સાથે જ આતંકીઓ અલગ-અલગ દિશામાં આગળ વધ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓએ ચાર્જ સંભાળી લીધો અને એક આતંકીને તરત અને થોડા સમય બાદ બે આતંકીઓને ઠાર માર્યા. આ પછી, બાકીના 6 આતંકવાદીઓ માર્યા ગયા.

ફાઈટર પ્લેનમાં આગ લાગી

આ દરમિયાન આતંકીઓએ પહેલા એરબેઝમાં હાજર ત્રણ ફાઈટર પ્લેનમાં આગ લગાવી દીધી અને નજીકમાં રાખવામાં આવેલા ઈંધણને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. આતંકીઓમાં કેટલાક આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ હતા. હાલમાં પાકિસ્તાની સેનાએ સમગ્ર સંકુલને ખાલી કરાવીને ઘેરો ઘાલ્યો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે શુક્રવારે જ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 17 સૈનિકો માર્યા ગયા હતા.

પાક સેનાનું નિવેદન

આ હુમલા બાદ પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમારી સેનાએ અસાધારણ હિંમત દર્શાવી અને સમયસર જવાબી કાર્યવાહી કરી જેમાં 3 આતંકીઓ એરબેઝમાં ઘૂસતા પહેલા જ માર્યા ગયા. જવાનોએ તરત જ બાકીના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા. જોકે, હુમલા દરમિયાન એરબેઝ પર પહેલાથી જ તૈનાત ત્રણ ફાઈટર પ્લેન અને એક ફ્યુઅલ બોઝરને નુકસાન થયું હતું. સેનાએ કહ્યું કે પાકિસ્તાન સશસ્ત્ર દળો કોઈપણ કિંમતે દેશમાંથી આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તહરીક-એ-જેહાદ પાકિસ્તાને જવાબદારી લીધી

તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)એ આ હુમલાની જવાબદારી લીધી છે. TJPKના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી લીધી અને દાવો કર્યો કે ઘણા આત્મઘાતી બોમ્બરો પણ સામેલ હતા. તેની રચના પછી, TJPએ પહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક બલૂચિસ્તાનના સરહદી શહેર ચમનમાં બે પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યા કરી અને ત્યારબાદ સ્વાતના ચમન, બોલાન, કબાલ વિસ્તારોમાં અનેક હત્યાઓ કરી.

TJP કોણ છે

TJPની રચના પાકિસ્તાન સામે જેહાદ કરવા માટે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય દેશને ઇસ્લામિક રાજ્યમાં પરિવર્તિત કરવાનો હતો. એવું કહેવાય છે કે તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા અલ-કાયદા વગેરે સાથે પણ સંબંધિત હોઈ શકે છે. TJP અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા ઘડવામાં આવેલા શરિયા કાયદાનું સમર્થન કરે છે. આ જૂથનું માનવું છે કે સશસ્ત્ર જેહાદ સિવાય પાકિસ્તાનમાં ઈસ્લામિક વ્યવસ્થા લાગુ કરવી શક્ય નથી.

    follow whatsapp