અમદાવાદ: ભારતીય ટીમે ઈતિહાસ રચતા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે, આ દરમિયાન ન્યૂઝીલેન્ડની મેચમાંથી આ સારા સમાચાર આવ્યા છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે અને આ સાથે ટીમ ઈન્ડિયા WTC 2023 ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ADVERTISEMENT
ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે, આ મેચ માટે 12 જૂનનો એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 2 વિકેટથી હરાવ્યું
ઈન્દોર ટેસ્ટમાં ભારતની હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું અંતિમ સમીકરણ રસપ્રદ બન્યું અને ટીમ ઈન્ડિયાને રાહ જોવી પડી. ઈન્દોર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું, પરંતુ ભારતની નિર્ભરતા શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પર રહી હતી. શ્રીલંકા હાલમાં ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમી રહ્યું છે, ફાઈનલમાં પહોંચવા માટે તેને સીરીઝ 2-0થી જીતવી જરૂરી હતી, જે થઈ શક્યું નહીં.
ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકાએ આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 355 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા. અહીં ડિરેલ મિશેલે શાનદાર સદી ફટકારી હતી. પરંતુ જવાબમાં શ્રીલંકાએ બીજી ઇનિંગમાં વળતો પ્રહાર કર્યો અને 302 રન બનાવ્યા જેમાં એન્જેલો મેથ્યુઝની સદી સામેલ હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો, છેલ્લા દિવસે આ ટાર્ગેટ હાંસલ કરવો શક્ય હતો પરંતુ તે મુશ્કેલ હતું. જોકે, ન્યૂઝીલેન્ડે મેચને છેલ્લી ઓવર સુધી લઈ જઈ અને અંતે જીત મેળવી.
આશ્ચર્યજનક વાત એ છે કે ભારત પણ પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું હતું. જ્યાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને આ વખતે તે ન્યૂઝીલેન્ડના કારણે જ શક્ય બન્યું છે. જો ન્યુઝીલેન્ડ આ મેચ હારી ગયું હોત તો ટીમ ઈન્ડિયા માટે ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું હોત.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ટીમ ઈન્ડિયા
ભારતે આ ચેમ્પિયનશિપમાં કુલ 18 મેચ રમી હતી, જેમાં 10માં જીત અને 5માં હાર થઈ હતી. જ્યારે 3 ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહી, જ્યારે ઓસ્ટ્રેલિયા 19 મેચમાં 11 જીત સાથે નંબર-1 પર રહ્યું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દરેક ટીમે 6-6 સિરીઝ રમવાની હતી, જેમાં 3 ઘરઆંગણે અને 3 વિદેશમાં હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન
– ઈંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ સિરીઝ 2-2થી બરોબર રહી હતી.
– ન્યૂઝીલેન્ડ સામે 2-ટેસ્ટની ઘરેલું શ્રેણીમાં 1-0થી હરાવ્યું;
– દક્ષિણ આફ્રિકા સામેની 3-ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હાર;
– શ્રીલંકાને 2-ટેસ્ટની ઘરેલું સીરિઝમાં 2-0થી હરાવ્યું;
– બાંગ્લાદેશને 2 ટેસ્ટની સીરિઝમાં ક્લીનસ્વીપ કરી
– ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની ઘરેલું સીરિઝમાં 2-1થી આગળ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ – 2023ની ફાઈનલ ક્યાં અને ક્યારે રમાશે?
ટીમો – ભારત વિ ઓસ્ટ્રેલિયા
તારીખ – 7 થી 11 જૂન, 2023
સ્થળ – ધ ઓવલ, લંડન
રિઝર્વ ડે – 12 જૂન
ADVERTISEMENT