સુરત: આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ખુશીમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતના એક યુવકે આ અભિયાનથી લોકોને જાગૃત કરવા માટે પોતાની લક્ઝુરિયસ કાર પર ‘હર ઘર તિરંગા’ થીમ મુજબ રંગ કરાવી દીધો છે. કારને રાષ્ટ્રીય ધ્વજના રંગોમાં રંગવા માટે આ સુરતી યુવકે 2 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. આટલું જ નહીં યુવકે કારથી બે દિવસમાં સુરતથી દિલ્હીની મુસાફરી કરીને પ્રધાનમંત્રી મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચી ગયો છે.
ADVERTISEMENT
બે દિવસમાં 1300 કિમીનું અંતર કાપ્યું
સુરતના રહેનારા સિદ્ધાર્થ દોશી નામના યુવકે પોતાની લાખો રૂપિયાની જગુઆર કારને ‘હર ઘર તિરંગા’ની થીમ પર રંગાવી છે. તેણે 2 દિવસમાં ગુજરાતથી દિલ્હીનું 1300 કિલોમીટરનું અંતર કાપ્યું. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં સિદ્ધાર્થ સંસદ પાસે અન્ય યાત્રી સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા જોવાયો હતો. તેની કારના બોનેટ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ લખ્યું હતું.
દિલ્હીમાં મોદી-શાહને મળવાની ઈચ્છા
સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, હું બે દિવસથી કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છું. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા ઈચ્છીએ છીએ. લોકોને જાગૃત કરવા માટે મેં આ પગલું ભર્યું છે.’ સિદ્ધાર્થ પ્રધાનમંત્રીના હર ઘર તિરંગાના અભિયાનથી પ્રભાવિત છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ ભારતીયોને ઓફિસ, ઘર તથા કામના સ્થળે તિરંગો લહેરાવવા અપીલ કરી હતી.
ADVERTISEMENT