‘ભટિંડા જેલમાં બનાવાયો હતો મર્ડરનો પ્લાન’, સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. પંજાબની ભટિંડા જેલમાં બંધ ગેંગસ્ટર સંપત નેહરા (લોરેન્સ બિશ્નોઈ ગેંગ)…

gujarattak
follow google news

રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. પંજાબની ભટિંડા જેલમાં બંધ ગેંગસ્ટર સંપત નેહરા (લોરેન્સ બિશ્નોઈ ગેંગ) દ્વારા આ પ્લાન ઘડવામાં આવ્યો હતો. રાજસ્થાનના એડીજી એટીએસ અને એસઓજીને આ માહિતી આપી છે. પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસ અધિકારીઓને આ માહિતી આપી છે. બીજી તરફ જયપુર પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ન ફેલાવવા પણ વિનંતી કરી છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે, હરિયાણાના ડીજીપી સાથે વાતચીત થઈ છે. સરહદો પર નજર રાખવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

પોલીસે કરી દીધી કડક નાકાબંધી

ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કડક નાકાબંધી કરી રહી છે અને અનેક ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. સુખદેવસિંહ ગોગામેડીના સમર્થકોને ધીરજ અને શાંતિ જાળવવાની અપીલ કરતા તેમણે પોલીસને વિશેષ તકેદારી રાખવા અને સુરક્ષા વધારવાની સૂચના આપી છે.

DGP મિશ્રાએ હરિયાણાના ડીજીપી સાથે કરી વાત

DGP મિશ્રાએ જણાવ્યું કે હત્યાના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કડક નાકાબંધી કરવામાં આવી છે.આ ઘટનાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે. આને ધ્યાનમાં રાખીને પડોશી જિલ્લાઓ અને બિકાનેરમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે પોતે પડોશી રાજ્ય હરિયાણાના ડીજીપી સાથે વાત કરી છે અને સહયોગ માટે કહ્યું છે. પોલીસની ટીમ ટૂંક સમયમાં ગુનેગારોને પકડવામાં સફળ થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વાત કરવાના બહાને ઘરમાં ઘુસ્યા હતા હત્યારા

તેમણે જણાવ્યું કે, હત્યારાઓ વાત કરવાના બહાને તેમના ઘરમાં ઘુસ્યા અને થોડીવાર વાત કર્યા બાદ ફાયરિંગ કર્યું. આ ઘટના બાદ બંને હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં ગોગામેડી અને નવીનનું મોત નીપજ્યું હતું. જ્યારે અજીત ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘણી જગ્યાએ બંધનું એલાન

આ હત્યાકાંડના વિરોધમાં આજે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં મંગળવારે ધોળા દિવસે તેમના ઘરમાં ઘૂસીને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડ બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હત્યાકાંડથી નારાજ લોકોએ રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આરોપીઓને પકડવા પોલીસ સતત દરોડા પાડી રહી છે. ગોગામેડીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ જોધપુર, કુચામન, જેસલમેર, કોટા, બુંદી સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. આ દરમિયાન ઉદયપુર, બુંદી, જોધપુર, જેસલમેર, સિરોહી અને કુચામનમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.

    follow whatsapp